નેશનલ

બજેટ સ્પેશિયલ કહીં ખુશી: કહીં ગમ

નવી દિલ્હી: કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. નિર્મલા સીતારમણે આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. જેમકે આ વખતે કેન્દ્ર સરકાર આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર નહીં કરે, સરકાર વંદે ભારત ટ્રેનની જેમ ૪૦ હજાર બીજી રેલવે બોગી બનાવશે તેમ જ તેમણે પોતાના બજેટમાં બીજી ઘણી મોટી યોજનાઓ અને સિદ્ધીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. આમ છતાં કેન્દ્રીય બજેટ અંગે સત્તાધારી પાર્ટીના નેતાઓએ સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી, જ્યારે વિરોધી પાર્ટીના નેતાઓએ બજેટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
કેન્દ્ર સરકારના આ વચગાળાના બજેટ બાદ તમામ રાજકીય પક્ષો તરફથી પણ પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી, જેમાં કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે આ એક ઐતિહાસિક બજેટ છે ભારત હવે ઘણું આગળ વધ્યું છે. અને આ યોગ્ય સમય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરલું વચગાળાનું અંદાજપત્ર વિકસિત ભારતના પાયાને મજબૂત કરવાની ગેરન્ટી આપે છે અને તે ‘સાતત્ય જાળવી રાખવાનો વિશ્ર્વાસ’ દર્શાવે છે.

બજેટ પછીના ટીવી પર પ્રસારિત કરાયેલા સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે આ બજેટ વિકસિત ભારતના ચાર સ્તંભ – યુવાન, ગરીબ, મહિલા અને ખેડૂતોનું સશકતીકરણ કરશે. આ બજેટ ભારતના ભવિનું ઘડતર કરનારું હશે. આ બજેટ યુવાન ભારતની યુવાન આંકાક્ષાનું પ્રતિબિંબ પૂરું પાડે છે.

આ બજેટમાં નાણાકીય ખાધને કાબૂમાં રખાશે એવી નોંધ લેતાં મોદીએ કહ્યું હતું કે કુલ ખર્ચમાં ૧૧,૧૧,૧૧૧ કરોડ રૂપિયાનો ઐતિહાસિક વધારો કરાયો છે. અર્થશાસ્ત્રીની ભાષામાં આને ‘સ્વીટ સ્પોટ’ કહેવાય છે. આને લીધે ભારતના યુવાન માટે રોજગારની લાખો તક સર્જાશે અને એ સાથે ૨૧મી સદીના ભારતના આધુનિક માળખાનું સર્જન કરાશે.

તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આ બજેટ ‘સાતત્ય જાળવી રાખવાનો વિશ્ર્વાસ’ ધરાવે છે અને આ વચગાળાનું નહીં, પરંતુ સમાવેશક અને મૌલિક બજેટ છે. આ સંશોધન અને નવીનતા ધરાવતું
બજેટ છે.

એક લાખ કરોડ રૂપિયાનું સંશોધન અને નવીનતા માટેના ભંડોળને વધાવતાં તેમણે કહ્યું હતું કે આ ‘ઐતિહાસિક’ બજેટ છે જેમાં સ્ટાર્ટ અપ માટે રીબેટની ઓફર છે. નાણાકીય ખાધને કાબૂમાં રાખીને આમાં ૧૧.૧૧ લાખ કરોડ રૂપિયાના મૂડી ખર્ચની જોગવાઈ છે.

જોકે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ અંતરીમ બજેટને ‘વિકસિત ભારતનું વિઝન’ ગણાવ્યું હતું જે ભારતને વિશ્ર્વના વિકાસ એન્જિન બનાવવાની રૂપરેખા છે.

ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું હતું કે બજેટ દેશની પ્રગતિને વેગ આપશે. બજેટ દેશની આંકાક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે બજેટ રામરાજ્ય સ્થાપવા તરફ દોરી જશે.

‘અબકી બાર ૪૦૦ પાર, મોદીજી કરશે વિપક્ષના સૂપડાં સાફ’: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું ત્યાર બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આગામી લોકસભા ચૂંટણીમાં જીતનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. માત્ર એટલું જ નહીં, ૨૦૧૯ કરતાં પણ વધુ ભવ્ય વિજય મેળવવાનો અને ફરીથી નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે શપથ લેશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અબકી બાર તો થશે ૪૦૦ પાર. વિપક્ષના તો આ વખતે સૂપડાં સાફ જવાના છે. જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે સમાન્ય-મધ્યમ વર્ગ અને ગરીબોને ધ્યાનમાં રાખીને રજૂ કરાયું છે. કોઇપણ જીવનજરૂરી વસ્તુઓ પર ટેક્સ વધારવામાં આવ્યો નથી. એ સાથે જ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પાટે ચઢાવતું આ બજેટ છે. કારણ કે ઇન્ફ્રા સેક્ટરમાં પણ કોઇ ટેક્સ વધારો ઝિંકાયો નથી. એટલે ભારતની પ્રગતિ પૂરપાટ ગતિએ થઇ શકશે.

વડા પ્રધાન વિશ્વકર્મા સન્માન યોજના લૉન્ચ કરતા વખતે તેમણે વિરોધીઓએ ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ બહાર પાડ્યું હોવાના આરોપોને ફગાવતા કહ્યું હતું કે આક્ષેપો કરવાં એ વિરોધપક્ષની આદત છે અને કામ
પણ છે.

વડા પ્રધાને ૮૦ કરોડ લોકોને મફત અનાજ આપ્યું અને વધુ પાંચ વર્ષ આપશે એવી જાહેરાત કરી ત્યારે તો કોઇ ચૂંટણી નહોતી. આપણા વડા પ્રધાન ક્યારેય પણ જનકલ્યાણ યોજનાઓ કે પછી કોઇપણ બીજું કામ ચૂંટણીને ધ્યાનમાં રાખીને નથી કરતા. તેઓ ફક્ત દેશ અને દેશવાસીઓને ધ્યાનમાં રાખીને ફેંસલા લે છે. આ જે દુનિયાના મોટા મોટા અર્થતંત્ર ધરાવતા દેશો મુશ્કલ ઘડીમાં છે ત્યારે વૈશ્ર્વિક મંદીની અસર ભારતને નથી થઇ તેનો શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જ થાય છે.

વિકસિત ભારતનો સંકલ્પ વ્યક્ત કરતું બજેટ: ફડણવીસ
આજે રજૂ કરાયેલું બજેટ વિકસિત ભારતનો સંકલ્પ વ્યક્ત કરનારું છે. આ બજેટ રજૂ કરવા બદલ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન. આ બજેટમાં ખાસ કરીને મહિલા, ખેડૂતો, ગરીબ, યુવા અને મધ્યમવર્ગીય આમ બધા જ વર્ગો પ્રત્યે વિશેષ ધ્યાન આપવાનો પ્રયત્ન કરાયો છે.
ગરીબ, ચાલીમાં અને ઝૂંપડપટ્ટીમાં રહેનારા, મધ્યમવર્ગીય લોકોને પોતાનું ઘર મળે એ માટે યોજના તૈયાર કરવામાં આવશે.

૧ લાખ કરોડનું વ્યાજમુક્ત ભંડોળ તૈયાર કરી યુવાનો માટે અનામત રાખવાનો નિર્ણય અતિશય ક્રાંતિકારી છે.

દેશના દરેક ઘટકોને મદદ કરનારું સર્વસમાવેશ બજેટ: ભુજબળ

આ બજેટમાં દેશના ખેડૂતો, સામાન્ય નાગરિકો, મહિલા, યુવાનો, વિદ્યાર્થી, ઉદ્યોગપતિઓ સહિતના ઘટકોનો વિચાર કરવામાં આવ્યો છે અને બધા જ વર્ગોને મદદ કરનારું આ સર્વસમાવેશી બજેટ છે. દેશના ૮૦ કરોડ નાગરિકોને મફત અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી તેની અમલબજાવણી ચાલુ જ છે. દેશના ગરીબ નાગરિકોને બે કરોડ ઘર બનાવી આપવામાં આવશે. સૌર યોજના દ્વારા ૧ કરોડ ઘરોની ૩૦૦ યુનિટ સુધીની વીજળીનું બિલ માફ કરવામાં આવશે. પીએમ આવાસ યોજનાના ૭૦ ટકા ઘરો મહિલાઓને દેવાનો નિર્ણય લેવાયો છે. સંસદમાં મહિલાઓને અનામત આપવા બદલ વિચારણા તેમ જ ૩ કરોડ મહિલાઓને લાખોપતિ બનાવવા માટેની યોજના એ અત્યંત મહત્ત્વની બાબતો છે.

આ બજેટ છે વર્તમાનનું અભિમાન, ભવિષ્યની આશા: બાવનકુળે
વર્તમાનનું અભિમાન અને ભવિષ્ય માટે આશા અને આત્મવિશ્ર્વાસ, એવું આ વચગાળાનું બજેટ છે.
‘જય અનુસંધાન’ આ નારો ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો આપણો ઉદ્દેશ સાધી શકાશે, એવો આત્મવિશ્ર્વાસ આપનારો છે. આજ સુધી આ દેશે જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાનના નારા લગાવ્યા છે. મોદી સરકારે તેની આગળનો નારો
આપ્યો છે.

ગરીબ, મહિલા, યુવાન અને ખેડૂતો તેમની જરૂરિયાતો, આકંક્ષાઓ અને કલ્યાણ એ મોદી સરકારનું સર્વોચ્ચ પ્રાધાન્ય છે. નારી શક્તિ, અન્નદાતા ખેડૂત, ગરીબ કલ્યાણ, વિકસિત ભારત અને સર્વાંગી વિકાસ સાધનારું આ સર્વસમાવેશી બજેટ છે.

નિરાશાજક, નકારાત્મક અને નવીનતાવિહીન બજેટ: જયંત પાટીલ

આજે રજૂ કરાયેલું બજેટ નિરાશાજનક, નકારાત્મક અને નવીનતા વિહીન હતું. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલું બેજેટ માત્ર આંખમાં ધૂળ નાંખ્યા જેવું છે. દેશમાં બેરોજગારી અને મોંઘવારી ઓછી કરવા માટે કોઇપણ ઉપાયયોજના આ બજેટમાં નથી. દલિત અને આદિવાસીઓ માટે આ બજેટમાં શું છે તે પ્રશ્ર્ન મને થાય છે. બજેટમાં સૌથી વધુ ઉલ્લેખ વડા પ્રધાનનો કરવામાં આવ્યો. ટેક્સ સ્લેબમાં આ બજેટમાં કોઇપણ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશની અર્થવ્યવસ્થાનું ખરું ચિત્ર સામે ન આવે એ માટે જ આ વર્ષે પહેલી વખત દેશનો આર્થિક અહેવાલ રજૂ કરાયો નથી.

કરદાતાઓનું ‘પાકીટ મારવાની’ પરંપરા: વિજય વડેટ્ટીવાર

દેશના ખેડૂતો, બેરોજગારો, સામાન્ય નાગરિકોને ફસાવનારું, નોકરીયાત વર્ગ, મધ્યમ વર્ગનું ખિસ્સું કાપનારું બજેટ છે. કરદાતાઓનું પાકીટ મારવાની પરંપરા જાળવી અર્થહીન બજેટ કેન્દ્ર સરકારે આજે રજૂ કર્યું. વિકાસનો આભાસ નિર્માણ કરનારું બજેટ કેન્દ્ર સરકારે ભારતીયોના માથે માર્યું છે.

મોદી સરકારનું છેલ્લું બજેટ: ઉદ્ધવ ઠાકરે
નરેન્દ્ર મોદીની સરકારે આ છેલ્લું બજેટ રજૂ કર્યું છે. ગરીબ, મહિલા, ખેડૂત, યુવાનો માટે અમે કામ કરીશું, એવું નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું અને આવું કહેવાની હિંમત કરવા બદલ તેમને અભિનંદન. તમારા વડા પ્રધાનના મિત્રો સિવાય દેશમાં આ ચાર ઘટકો પણ છેે એ તેમને ૧૦ વર્ષ બાદ સમજાયું. તમે મહિલાઓ વિશે બોલો છો તો સીતારમણજી તમે મણિપુર કેમ નથી જતા? બિલ્કિસ બાનુ પાસે જાઓ. કહો, અમે તમારી સાથે છીએ. તમે ખેડૂતોને આતંકવાદી સમજતા હતા એ વિશે તમારું શું કહેવું છે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button