31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટ સત્રઃ પહેલી ફેબ્રુઆરીના રજૂ કરાશે બજેટ | મુંબઈ સમાચાર

31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટ સત્રઃ પહેલી ફેબ્રુઆરીના રજૂ કરાશે બજેટ

નવી દિલ્હીઃ ભારતીય સંસદના બજેટ સત્રની શરૂઆત આગામી 31 જાન્યુઆરીથી થશે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ મુર્મૂના સંબોધન પછી કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2025ના રોજ દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે.

સંસદના બજેટ સત્રનો પહેલો ભાગ 31 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થશે અને 13 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. સત્રનો બીજો ભાગ 10 માર્ચ, 2025થી શરૂ થશે અને 4 એપ્રિલ, 2025 સુધી ચાલશે.

લોકસભા સચિવાલય દ્વારા બજેટ સત્ર અંગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 31 જાન્યુઆરીના રોજ સંસદના બંને ગૃહોને સંબોધન કરશે અને નાણામંત્રી નિર્મલા સીતારમણ શનિવારે સામાન્ય બજેટ રજૂ કરશે.

રાષ્ટ્રપતિના અભિભાષણ પછી લોકસભા અને રાજ્યસભામાં નાણામંત્રી શુક્રવારે આર્થિક સર્વે રજૂ કરશે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા માટે લોકસભાએ અસ્થાયી રીતે બે દિવસ (3-4 ફેબ્રુઆરી) ફાળવ્યા છે, જ્યારે રાજ્યસભાએ ચર્ચા માટે ત્રણ દિવસ નક્કી કર્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો : 31 જાન્યુઆરીથી સંસદનું Budget Session,1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરાશે…

સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજજુએ બજેટ સત્રની સારી રીતે કામગીરી સુનિશ્ચિત કરવા માટે ૩૦ જાન્યુઆરીએ સંસદમાં રાજકીય પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે. બજેટ સત્રના પહેલા ભાગમાં 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી નવ બેઠકો યોજાશે.

10 માર્ચથી ફરી બેઠક યોજાશે જેમાં વિવિધ મંત્રાલયોની ગ્રાન્ટની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે અને બજેટ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ સત્ર 4 એપ્રિલે સમાપ્ત થશે. સમગ્ર બજેટ સત્રમાં 27 બેઠક હશે.

સંબંધિત લેખો

Back to top button