સંસદનું બજેટ સત્ર ૧૦મી સુધી લંબાવાયું
નવી દિલ્હી : સંસદનું બજેટ સત્ર એક દિવસ વધુ એટલે કે ૧૦ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યું છે એવી જાહેરાત લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ બુધવારે કરી હતી. સત્રની શરૂઆત ૩૧ જાન્યુઆરીએ કરી હતી અને એ નવ ફેબ્રુઆરીએ પૂરું થવાનું હતું. પ્રશ્ર્નોત્તરી કાળ પૂરો થયો ત્યાર બાદ બિરલાએ ગૃહને જાણ કરી હતી કે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ પ્રસ્તાવ મૂક્યો છે કે સત્ર ૧૦ ફેબ્રુઆરી, શનિવાર સુધી લંબાવામાં આવે જેથી ‘મહત્ત્વનો સરકારી બિઝનેસ’ પૂરો થઈ શકે.
બિરલાએ ગૃહની ભાવના જાણી હતી અને સભ્યો સંમત થયા હતા. રાજ્યસભામાં પણ આવી ભાવના જાણવાની કવાયત થશે.
સંસદીય બાબતોના પ્રધાન જોશીએ મંગળવારે કહ્યું હતું કે સત્ર ૧૦ ફેબ્રુઆરી સુધી લંબાવી શકાય. જોકે તેમણે એજન્ડા વિશે ફોડ પાડ્યો નહોતો.
એજન્ડાના વિષયો જેવા કે નાણા ખરડો, બજેટ પર ચર્ચા અને અનુદાન માટેની માગણી પર સંસદમાં ચર્ચા થવાની બાકી છે અને શ્ર્વેતપત્ર રજૂ થવાનું છે એટલે કદાચ સત્ર લંબાવવામાં આવ્યું હોય એમ સૂત્રોએ કહ્યું હતું.