Budget 2025: Vande Bharat ટ્રેનથી લઈને બુલેટ ટ્રેનના કોરિડોર માટે શું થઈ ફાળવણી?
નવી દિલ્હીઃ દેશમાં કેન્દ્રીય નાણાકીય અને રેલવે અંદાજપત્રને અલગ અલગ રીતે રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ 2017-18 પછી એક જ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓની સુવિધા માટે ખાસ કરીને વંદે ભારત સહિત વંદે મેટ્રો તેમ જ હાઈ સ્પીડ કોરિડોર માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. પ્રવાસીઓની સુવિધા માટે ખાસ કરીને વંદે ભારતના આધુનિક વર્ઝનમાં વંદે ભારત સ્લીપર ટ્રેન દોડાવવામાં આવશે, એમ કેન્દ્રીય નાણાં પ્રધાને જણાવ્યું હતું.
વંદે મેટ્રો, વંદે ભારત સ્લીપર અને બુલેટ ટ્રેન પર વિશેષ ફોક્સ કરાશે
રેલવે બજેટની જાહેરાતમાં દેશમાં આધુનિક વંદે ભારત ટ્રેનના વર્ઝન લોન્ચ કરવામાં આવશે. આગામી વર્ષોમાં દેશમાં વંદે મેટ્રોની સાથે સાથે વંદે ભારત સ્લીપર ટ્રેનને દોડાવવામાં આવશે. આ વર્ષે રેલવેમાં વંદે ભારત સ્લીપર, વંદે મેટ્રો અને બુલેટ ટ્રેન જેવી આધુનિક ટ્રેનના ખર્ચ પર વિશેષ ફોક્સ કરવામાં આવશે. ખાસ કરીને મુંબઈ-અમદાવાદની બુલેટ ટ્રેનના કોરિડોર માટે સરકારે વિશેષ ફાળવણી કરી છે. એના સિવાય લાંબા અંતરની મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે વંદે ભારત સ્લીપર ટ્રેન શરુ કરવાની યોજના છે.
સ્ટેશન રિડેવલપમેન્ટ મુદ્દે મોટી જાહેરાત
સરકારે રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ સહિત ટ્રેકના વિસ્તરણ, નવા પુલ, પ્લેટફોર્મના નિર્માણ અને નવી ટેક્નોલોજી પર વિશેષ ધ્યાન આપવાની જાહેરાત કરી છે. જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં રેલવે લિંક તૈયાર કરવામાં આવી છે, જેનાથી કાશ્મીરવાસીઓને મોટી રાહત થઈ છે. એના માફક દેશમાં આધુનિક વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે.
હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે વિશેષ ફાળવણી
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર (MAHSR) જેને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નામથી ઓળખવામાં આવે છે, જેના માટે વિશેષ ફંડ ફાળવવામાં આવ્યું છે. બુલેટ ટ્રેનના પ્રસ્તાવિત પ્રોજેક્ટને વધુ ઝડપી કામગીરી પૂરી કરવામાં આવે, જેથી હાઈ સ્પીડ ટ્રેનનું સપનું સાકાર થાય. મુંબઈ-અમદાવાદ વચ્ચેના હાઈ સ્પીડ ટ્રેનના કોરિડોર માટે 4,000 કરોડથી વધુ રુપિયાની ફાળવણી કરી છે.
અગાઉ જનરલ અને રેલવે બજેટ અલગ જાહેરાત કરતા
નાણાકીય વર્ષ 2016-17 સુધી જનરલ બજેટ અને રેલવે બજેટ અલગ અલગ રીતે રજૂ કરવામાં આવતું હતું. નાણાકીય વર્ષ 2017-18માં નાણા પ્રધાન અરુણ જેટલીએ પહેલી વખત બંને બજેટ રજૂ કર્યાં હતા. 2016માં રેલવે પ્રધાન પીયૂષ ગોયલે છેલ્લે રેલવે બજેટ રજૂ કર્યું હતું. ભારતનું પહેલું રેલવે બજેટ 1924માં બ્રિટિશ સરકારે રજૂ કર્યું હતું. 1920-21માં ઈસ્ટ ઈન્ડિયા રેલવે કમિટીના ચેરમેન સર વિલિયમ એકવર્થ કમિટીએ અલગથી રેલવે બજેટ રજૂ કરવાનો રિપોર્ટ મોકલ્યો હતો.
1947ના રેલવે બજેટમાં 14.28 કરોડની થઈ હતી ફાળવણી
આઝાદીના સમયમાં 1947-48માં રેલવે બજેટમાં 14 કરોડ 28 લાખ રુપિયાની ફાળવણી કરી હતી. દેશમાં ટ્રેનો વધારવાની સાથે રેલવેના ખર્ચમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. 2014માં ડો. મનમોહન સિંહની સરકારે અંતિમ બજેટમાં પણ 63,363 કરોડનો ખર્ચ કરવાની વાત જણાવી હતી. 2024-25ના રેલવે બજેટમાં કુલ ખર્ચ 2,62,200 કરોડ સુધી વધ્યો હતો.
1951થી આગામી પાંચ વર્ષ માટે રેલવે બજેટ અલગ રીતે રજૂ કરવાની વાત જણાવી હતી. જોકે, આ પરંપરા 2016 સુધી ચાલી રહી હતી. આઝાદી પછી રેલવેની આવકમાં ઘટાડો થયો હતો. 70ના દાયકામાં પૂરી આવકની દૃષ્ટિએ રેલવે બજેટ 30 ટકા રહ્યું હતું, જ્યારે 2015-16 સુધીમાં તેનો હિસ્સો 11.5 ટકા રહ્યો હતો, ત્યાર પછી રેલવે બજેટને જનરલ બજેટમાં સમાવી લેવાયું હતું.