Budget 2026: ભારતના બજેટથી આ દેશોને પણ થાય છે ફાયદો, વાંચો સમગ્ર લિસ્ટ

નવી દિલ્હી : કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં વર્ષ 2026-27 નું બજેટ રજૂ કર્યું હતું. ભારતના બજેટમાં વિદેશ નીતિ અને ક્ષેત્રીય પ્રભાવ દર્શાવવામાં આવે છે. બજેટમાં દર વર્ષે વિદેશ મંત્રાલય દ્વારા ફાળવવામાં આવતા સહાયતાનો પણ ઉલ્લેખ હોય છે. જેમાં ભારત કયા દેશોને વિકાસ સહયોગ, માળખાગત વિકાસ માટે સહાય અને માનવીય સહાયનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. જેના ભારતના બજેટથી અનેક દેશોને ફાયદો થાય છે.
રૂપિયા 5,483 કરોડ રૂપિયા વિદેશને સહાયતા માટે અનામત
કેન્દ્ર સરકારે ગત વર્ષના બજેટમાં પાડોશી પ્રથમની નીતિને મજબૂત કરી છે. જેના લીધે કુલ વિદેશી સહાયતામાં પણ વધારો કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયની કુલ રૂપિયા 20,516 કરોડની ફાળવણીમાંથી રૂપિયા 5,483 કરોડ રૂપિયા વિદેશને સહાયતા માટે અનામત રાખવામાં આવ્યા છે. આ યાદીમાં ભૂટાન ભારતની વિદેશ સહાય મેળવવામાં ટોચ પર છે.
ફાળવણી પાછલા વર્ષની તુલનામાં સ્થિર રહી
ભૂટાનને રૂપિયા 2,150 કરોડ ફાળવાયા હતા. આ સહાય મુખ્યત્વે જળવિદ્યુત પ્રોજેક્ટ્સ, રોડ કનેક્ટિવિટી અને આર્થિક સહયોગ માટે આપવામાં આવી છે. નેપાળને પણ રૂપિયા 700 કરોડ ફાળવાયા હતા. આ ફાળવણી પાછલા વર્ષની તુલનામાં સ્થિર રહી છે. જે દ્વિપક્ષીય વિકાસ સહયોગમાં સતત વૃદ્ધિ દર્શાવે છે.
માલદીવ અને મ્યાનમારને પણ સહાય આપી
માલદીવને સહાય વધારીને રૂપિયા 600 કરોડ કરવામાં આવી છે. જે અગાઉના સ્તરથી નોંધપાત્ર વધારો છે. તેવી જ રીતે શ્રીલંકાને સહાય વધારીને રૂપિયા 300 કરોડ કરવામાં આવી કારણ કે તે ગંભીર આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહ્યો છે. મ્યાનમારને સહાય રૂપિયા 250 કરોડ થી વધારીને રૂપિયા 350 કરોડ કરવામાં આવી છે. આ રકમ ચાલુ સંઘર્ષો વચ્ચે માનવતાવાદી જરૂરિયાતો અને માળખાકીય સુવિધાઓ માટે આપવામાં આવી છે.
બાંગ્લાદેશને રૂપિયા 120 કરોડ ફાળવણી કરી
આ ઉપરાંત ભારતે બાંગ્લાદેશને રૂપિયા 120 કરોડ ફાળવણી કરી અને અફઘાનિસ્તાનને આપવામાં આવતી સહાય રૂપિયા 200 કરોડથી ઘટાડીને રૂપિયા 100 કરોડ કરવામાં આવી છે. ભારતે તેની ભાગીદારી માનવતાવાદી સહાય સુધી મર્યાદિત રાખી.
મોરેશિયસને રૂપિયા 500 કરોડની સહાય
ભારતે દક્ષિણ એશિયાથી આગળ વધીને તેની પહોંચનો વિસ્તાર કર્યો. આફ્રિકન દેશોને કુલ રૂપિયા 220 કરોડ ફાળવવામાં આવ્યા હતા. યુરેશિયા અને લેટિન અમેરિકા માટે કુલ રૂપિયા 100 કરોડ ફાળવવામાં આવ્યા હતા. જ્યારે લેટિન અમેરિકાને અગાઉ અલગથી રૂપિયા 60 કરોડ ફાળવવામાં આવ્યા હતા. જ્યારે ઈરાનને રૂપિયા 100 કરોડ ની ખાસ ફાળવણી રાખવામાં આવી હતી. મોરેશિયસને આપવામાં આવતી સહાય થોડી ઘટાડીને રૂપિયા 500 કરોડ કરવામાં આવી હતી, અને સેશેલ્સને ફાળવણી રૂપિયા 19 કરોડ કરવામાં આવી હતી.



