તમિલનાડુથી લઈને બંગાળ સુધી… ચૂંટણીવાળા રાજ્યો માટે બજેટમાં ખજાનો ખુલ્યો!

નવી દિલ્હી: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2026માં આગામી વિધાનસભા ચૂંટણી ધરાવતા રાજ્યો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પશ્ચિમ બંગાળ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મહત્વની જાહેરાત કરતા સરકારે ‘વારાણસી થી સિલીગુડી’ હાઈસ્પીડ રેલ કોરિડોર મંજૂર કર્યો છે. સિલીગુડીને બંગાળનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે, ત્યારે આ નવા કોરિડોરથી પરિવહન ક્ષેત્રે ક્રાંતિ આવશે અને રાજ્યના આર્થિક વિકાસને નવી ગતિ મળશે.
કેરળ અને તમિલનાડુ જેવા દક્ષિણ ભારતીય રાજ્યોના ખેડૂતો માટે સરકારે કૃષિ અને બાગાયતી પાકો પર ભાર મૂક્યો છે. બજેટમાં ‘નારિયેળ સંવર્ધન યોજના’ દ્વારા 1 કરોડ ખેડૂતો સહિત 3 કરોડ લોકોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, ભારતીય કાજુ અને કોકોને વર્ષ 2030 સુધીમાં ગ્લોબલ બ્રાન્ડ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેનો સીધો લાભ કેરળ અને તમિલનાડુના ઉત્પાદકોને મળશે. સાથે જ, ચંદનની ખેતી અને આયુર્વેદિક જડીબુટ્ટીઓના નિકાસ માટે પણ વિશેષ પ્રોત્સાહન જાહેર કરાયું છે.
ઉત્તર પૂર્વમાં બૌદ્ધ સર્કીટની ભેટ
પૂર્વોત્તર ભારતના રાજ્યો અને ખાસ કરીને ચૂંટણીવાળા આસામ માટે નાણા પ્રધાને ‘નવા બૌદ્ધ સર્કિટ’ની ભેટ આપી છે. આ સર્કિટ દ્વારા આસામને અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મણિપુર અને મિઝોરમ જેવા રાજ્યો સાથે જોડીને બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા હેરિટેજ સ્થળો અને સ્તૂપોનો વિકાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી પ્રવાસનને વેગ મળવાની સાથે સ્થાનિક રોજગારીમાં પણ મોટો ઉછાળો જોવા મળશે.
દરિયાકાંઠાના રાજ્યો માટે મત્સ્ય પાલન ક્ષેત્રે મોટી જાહેરાત કરતા સરકારે 500 જળાશયો અને અમૃત સરોવરોના સંકલિત વિકાસની યોજના બનાવી છે, જે તમિલનાડુના માછીમારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સાથોસાથ, ગ્રામીણ સ્તરે રોજગારી વધારવા માટે ‘મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલ’ અને ટેક્સટાઈલ સેક્ટર માટે ‘સમર્થ 2.0 મિશન’ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી ખાદી, હસ્તકલા અને હેન્ડલૂમ ક્ષેત્રે સંકળાયેલા કારીગરોને આર્થિક ટેકો મળશે.



