
નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. આશરે દોઢ કલાકમાં તેમણે અલગ અલગ રાજ્યો માટે સરકાર શું કરશે તેની વિગતો આપી હતી. આવો જાણીએ બજેટમાં ગુજરાતને શું મળ્યું.
સુરતથી બંગાળના દાનકુની સુધી ફ્રેઈટ કોરિડોર
સુરતથી બંગાળના દાનકુની સુધી ફ્રેઈટ કોરિડોરની પણ જાહેરાત કરવામાં આવી હતી. તેનાથી વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે સુરતની કનેક્ટિવિટી વધારશે. આ કોરિડોરથી ગુજરાતને મોટો ફાયદો થશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે કાર્ગોની ઈકો ફ્રેન્ડલી અવરજવરને પ્રોત્સાહન આપવા માટે, પૂર્વમાં દાનકુનીને પશ્ચિમમાં સુરત સાથે જોડતા નવા સમર્પિત માલવાહક કોરિડોર સ્થાપિત કરવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. આગામી 5 વર્ષમાં 20 નવા જળમાર્ગો શરૂ કરવામાં આવશે, જેની શરૂઆત ઓડિશામાં નેશનલ વોટરવે-5 થી થશે.
આ પણ વાંચો…સુરતથી બંગાળના દાનકુની સુધી ફ્રેઈટ કોરિડોર, ગુજરાતને મોટો ફાયદો…
જામનગરમાં ગ્લોબલ આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થપાશે
બજેટ રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, હું ત્રણ નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. આયુષ ફાર્મસીઓ અને ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીઓનું અપગ્રેડેશન કરવામાં આવશે અને વધુ કુશળ વ્યક્તિઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જામનગર ખાતે આવેલા WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને પણ અપગ્રેડ કરવામાં આવશે. જામનગરમાં WHO ગ્લોબલ મેડિકલ સેન્ટરમાં વિશ્વ કક્ષાની મેડિકલ સુવિધાઓ ઉભી કરાશે. અહીં દવાઓનું સંશોધન અને બીમારીઓની સારવારની સુવિધા ઉપલબ્ધ થશે. તેનાથી ભારતમાં મેડિકલ ટુરિઝમ સેક્ટનરે વેગ પ્રોત્સાહન મળશે.
લોથલ, ધોળાવીરા સહિત 15 ઐતિહાસિક સાઇટોને વિકસાવાશે
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે મંદિર નગરોવાળા 2-3 શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. લોથલ, ધોળાવીરા સહિત 15 ઐતિહાસિક સાઇટોને વિકસાવાશે. અહીંયા પ્રવાસીઓ માટે સારી સુવિધાઓ, જાણકારી આપતા કેન્દ્રો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને શ્રેષ્ઠ કનેક્ટિવિટી પર ભાર મુકવામાં આવશે, સરકારનો હેતુ માત્ર પ્રવાસીઓની સંખ્યા વધારવાનો નથી પરંતુ સ્થાનિક સ્તરે રોજગારી પેદા કરવાનો તેમજ પૌરાણિક સ્થળોને માત્ર સ્મારક નહીં પરંતુ જીવંત ઈતિહાસ તરીકે રજૂ કરવાનો છે.
સુરત ફરી એકવાર સિલ્ક સિટી તરીકે વિશ્વફલક પર ચમકશે
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે મજબૂત કરવા માટે સરકારે વિશેષ ટેક્સટાઇલ યુનિવર્સિટીની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. આ યુનિવર્સિટી સુરતના યુવાનોને ટેક્સટાઇલ એન્જિનિયરિંગ અને ડિઝાઇનિંગના ક્ષેત્રમાં વૈશ્વિક કક્ષાનું શિક્ષણ પૂરું પાડશે. ઉદ્યોગકારોનું માનવું છે કે આ બજેટથી સુરતનું કાપડ બજાર આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે વધુ સજ્જ બનશે.
આ પણ વાંચો…જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર, દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ
હાઈ-સ્પીડ ટેકનોલોજી અને કુશળ માનવબળના સમન્વયથી સુરત ફરી એકવાર ‘સિલ્ક સિટી’ તરીકે વિશ્વફલક પર ચમકશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે જૂની ટેક્સટાઇલ સ્કીમો જેવી કે યાર્ન બેન્ક સ્કીમ અને ગ્રુપ વર્કશેડ સ્કીમ માટેના બજેટમાં ધરખમ વધારો કર્યો છે. અગાઉ આ યોજનાઓ માટે માત્ર રૂ. 20 કરોડની જોગવાઈ હતી, જે હવે વધારીને રૂ. 50 કરોડ કરવામાં આવી છે. આ ફંડમાં થયેલા વધારાને કારણે સુરતના ઉદ્યોગકારો હવે વિદેશથી અત્યાધુનિક હાઈ-સ્પીડ મશીનો લાવી શકશે, જે ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તા બંનેમાં વધારો કરશે.



