
નવી દિલ્હી: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે લોકસભામાં રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં દેશના પરિવહન ક્ષેત્રનું ચિત્ર બદલી નાખતી મોટી જાહેરાત કરી છે. નાણા પ્રધાને દેશના પ્રમુખ શહેરી અને આર્થિક કેન્દ્રોને જોડવા માટે સાત નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર વિકસાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરો માટે પર્યાવરણને અનુકૂળ અને ઝડપી પરિવહનની સુવિધા ઊભી કરવાનો છે. સરકારના આ નિર્ણયથી ખાસ કરીને મહારાષ્ટ્ર રાજ્યને સૌથી મોટો આર્થિક ફાયદો થવાની અપેક્ષા છે, કારણ કે પ્રસ્તાવિત સાતમાંથી મહત્વના રૂટ મહારાષ્ટ્રના મુખ્ય શહેરોને આવરી લે છે.
બજેટમાં જાહેર કરવામાં આવેલા સાત હાઈ-સ્પીડ રેલ કોરિડોરના રૂટ પર નજર કરીએ તો તેમાં મુંબઈ-પુણે, પુણે-હૈદરાબાદ, હૈદરાબાદ-બેંગલુરુ, હૈદરાબાદ-ચેન્નાઈ, ચેન્નાઈ-બેંગલુરુ, દિલ્હી-વારાણસી અને વારાણસી-સિલીગુડીનો સમાવેશ થાય છે. મુંબઈ અને પુણે જેવા આર્થિક હબ વચ્ચે હાઈ-સ્પીડ કનેક્ટિવિટી મળવાથી ઉદ્યોગોને વેગ મળશે અને લાખો પ્રોફેશનલ્સનો મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે. તેમણે આ પ્રોજેક્ટ્સને ‘ગ્રોથ કનેક્ટર’ તરીકે ઓળખાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે હાઈ-સ્પીડ ટ્રેનોના કારણે માર્ગ પરિવહન પરનું ભારણ ઘટશે, જેના પરિણામે પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે. નાણા પ્રધાને ભાર મૂક્યો હતો કે આ કોરિડોર દેશના આર્થિક વિકાસને નવી ગતિ આપશે અને ટકાઉ વિકાસના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે. હાઈ-સ્પીડ રેલ નેટવર્કનું આ વિસ્તરણ ભારતને વૈશ્વિક કક્ષાનું રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે.
આ પણ વાંચો…રેલવેનો મહત્વનો નિર્ણય: ભુજ-મુંબઈ સ્પેશિયલ ટ્રેન ફેબ્રુઆરીના અંત સુધી લંબાવવામાં આવી



