Budaun double murder: હત્યારાના ભાઈ જાવેદે બરેલીમાં સરેન્ડર કર્યું, પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ઉત્તર પ્રદેશના બદાયુંમાં ઘરમાં ઘુસીને બે માસુમ બાળકોની હત્યાની ઘટના ઉત્તર પ્રદેશ સિવાય દેશભરના રાજ્યોમાં ચર્ચાનો વિષય બન્યો છે. બાળકોના પરિવારજનો હજુ પણ આઘાતમાં છે, પોલીસે હત્યાના મુખ્ય આરોપી સાજિદને એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધો હતો, જ્યારે અન્ય આરોપી સાજીદનો ભાઈ જાવેદ ફરાર થઇ ગયો હતો. હવે અહેવાલો મુજબ જાવેદે પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું છે. આ સાથે જાવેદનો એક વીડિયો મળ્યો છે, જેમાં તે પોતે નિર્દોષ હોવાનો દાવો કરી રહ્યો છે.
બાળકોની હત્યા અને સાજિદના એન્કાઉન્ટરના બે દિવસ બાદ જાવેદનો વીડિયો સામે આવ્યો છે. જાવેદ વીડિયોમાં એમ પણ કહી રહ્યો છે કે જે ઘરમાં આ ઘટના બની હતી તે ઘર સાથે અમારા સારા સંબંધો હતાં. બદાયું પોલીસ જાવેદને શોધી રહી હતી, પરંતુ સફળતા મળી ન હતી, હવે જાવેદ સામે ચાલીને બરેલીમાં પોલીસ સમક્ષ હાજર થયો હતો. હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
આ દરમિયાન બે મૃત બાળકો આયુષ અને અહાનનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કાળજું કંપાવી દે એવી માહિતી જાણવા મળી છે. બંને બાળકોના શરીર પર તિક્ષ્ણ હથિયાર વડે વારંવાર ઘા મારવામાં આવ્યા હતા. મોટા બાળક આયુષના શરીર પર 14 અને અહાનના શરીર પર 9 ઘાના નિશાન મળી આવ્યા છે. આમ હત્યારા એ કુલ 23 ઘા માર્યા હતા. બંને બાળકોના ગાળા ભાગ પર હુમલો કર્યા બાદ પીઠ, છાતી અને પગ પર અનેક હુમલો કરવામાં આવ્યો હતો.
બીજી તરફ હત્યારા સાજિદના ભાઈ જાવેદે બરેલી પહોંચીને સરેન્ડર કર્યું હતું. જો કે, તે વારંવાર કહી રહ્યો છે કે, “મેં કંઈ નથી કર્યું.”
ઘટના બાદથી જ પોલીસની ચાર ટીમ જાવેદને શોધી રહી હતી, પરંતુ તેનું પગેરું મળી શક્યું ન હતું. જાવેદ દિલ્હી ભાગી ગયો હતો, તેણે બરેલી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જાવેદના કહ્યા મુજબ તે લોકોના ગુસ્સાથી બચવા માટે દિલ્હી ભાગી ગયો હતો. આ હત્યામાં તેની કોઈ ભૂમિકા નથી, જે પણ કરવામાં આવ્યું તે સાજિદે કર્યું હતું.
પોલીસને હજુ હત્યા પાછળનું કરણ જાણવા મળ્યું નથી, સાજીદની પૂછપરછ બાદ કારણ અંગે ખુલાસો થવાની શક્યતા છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
ઉત્તર પ્રદેશના બદાયુંમાં 19 માર્ચ મંગળવારની સાંજે, હેર સલૂન ચલાવતા સાજીદે પાડોશમાં રહેતા પરિવારના બે નિર્દોષ બાળકોની નિર્દયતાથી હત્યા કરી હતી. આ ઘટનાથી માત્ર વિસ્તારમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં રોષની લહેર ફેલાઈ ગઈ છે.