મહારાષ્ટ્ર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં માયાવતીનું ‘એકલા ચાલો રે’
નવી દિલ્હી: મંગળવારે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થશે, જ્યારે ઝારખંડની 81 વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં મતદાન થશે. ઉપરાંત, ચૂંટણી પંચ દ્વારા ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણીની પણ તારીખોની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ મહારાષ્ટ્ર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
ચૂંટણી પંચની જાહેરાત બાદ આપી પ્રતિક્રિયા:
ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ બસપા સુપ્રીમો માયાવતીએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. માયાવતીએ X પર એક પોસ્ટ કરી અને લખ્યું કે ભારતના ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે, તેનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણી જેટલી ઓછા સમયમાં અને નૈતિક રીતે સ્વચ્છ રહીને થાય તે ખૂબ જ જરૂરી છે. જેનો સંપૂર્ણ આધાર ચૂંટણી પંચ પર રહેલો છે.
ટ્વીટ કરીને આપી માહિતી:
બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે બસપા આ બંને રાજ્યોમાં એકલા હાથે ચૂંટણી લડશે અને બસપા પ્રયાસ કરશે કે તેને મત આપનારા લોકો આમ તેમ ન ફંટાઈ જાય અને બસપા સાથે જ જોડાયેલા રહે તેમજ પૂજ્ય બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના આત્મ સન્માન અને સ્વાભિમાનના કાફલાના સારથિ બનવાના પોતાના પ્રયાસોને ચાલુ રાખશે.
પેટાચૂંટણીમાં પણ એકલા હાથ લડશે:
આ સાથે જ માયાવતીએ ઉત્તર પ્રદેશની પેટાચૂંટણીમાં એકલા હાથે લડવાની પણ જાહેરાત કરી છે. માયાવતીએ કહ્યું કે બસપા 9 વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણીમાં પણ પોતાના ઉમેદવારો ઉતારશે અને સંપૂર્ણ તૈયારી અને હિંમત સાથે એકલા હાથે ચૂંટણી લડશે.