BSF પર TMC ના આરોપ પર BSF એ રોકડું પરખાવ્યુંઃ કહ્યું અમારી પ્રાથમિકતા સરહદ…

કોલકાતા: વકફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં હિંસાની પરિસ્થિતિ છે. આ દરમિયાન સ્થિતિ પર નિયંત્રણ માટે કેન્દ્રીય બળોની કંપનીઓ સ્થાનિક પોલીસ સાથે મળીને સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહી છે. જો કે આ દરમિયાન સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ દ્વારા BSF (બોર્ડર સિક્યોરિટી ફોર્સ) પર ગંભીર આરોપ મૂકવામા આવ્યા હતા ત્યારે હવે આ મામલે BSFએ TMCને જવાબ આપ્યો છે અને બાંગ્લાદેશ સાથેની સરહદ પર અત્યાર સુધી થયેલી કાર્યવાહીની માહિતી પણ આપી છે.
શું છે સમગ્ર વિવાદ?
હકીકતે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આરોપ લગાવી ચૂક્યા છે કે BSF બાંગ્લાદેશીઓને પ્રવેશવાની મંજૂરી આપી રહ્યું છે. તે જ સમયે તૃણમૂલ કોંગ્રેસના નેતા કુણાલ ઘોષે આરોપ લગાવ્યો હતો કે મુર્શિદાબાદ હિંસા પાછળ બે કે ત્રણ રાજકીય પક્ષોના ભાગો અને BSFના એક ભાગની સંડોવણી અંગે ઇનપુટ મળ્યા છે. કુણાલ ઘોષે કહ્યું હતું કે BSF ટુકડીની મદદથી સરહદનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. કેટલાક અસામાજિક તત્વોએ ઘૂસણખોરી કરી, અરાજકતા મચાવી અને તેમને પાછા જવા માટે સલામત માર્ગ આપવામાં આવ્યો. હવે BSFએ આરોપોનો જવાબ આપ્યો છે.
પ્રાથમિકતા સરહદની રક્ષા કરવાની
TMCના નિવેદન અંગે BSF એ કહ્યું છે કે અમારી પ્રાથમિકતા સરહદની રક્ષા કરવાની છે અને અમે સતત લોકોને ઘૂસણખોરી કરતા અટકાવીએ છીએ. આ ઉપરાંત અમે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ જવા માંગતા લોકોને પણ રોકીએ છીએ અને પોલીસને તેમની ધરપકડ કરવા સૂચના આપીએ છીએ. એટલું જ નહીં, જો કોઈ દાણચોરી થઈ રહી હોય તો અમે તેને પણ રોકીએ છીએ.
શું કહ્યું બીએસએફએ?
BSF દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 2023માં ભારત-બાંગ્લાદેશ સરહદ પર 5492 લોકોને બાંગ્લાદેશમાં ઘૂસણખોરી કરતા ઔપચારિક રીતે અટકાવવામાં આવ્યા હતા. 2024 માં આ આંકડો 5130 હતો અને 2025માં 31 માર્ચ સુધીમાં 1127 લોકોને રોકવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કુલ 2216 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ છે.