શું છે આ NDF ફેન્સિંગ? જેનાથી હવે બાંગ્લાદેશ સરહદે હવે પરિંદું પણ પર મારી શકશે નહીં!

નવી દિલ્હી: પાડોશી દેશ બાંગ્લાદેશમાં વ્યાપેલી અશાંતિની સ્થિતિને ધ્યાને લઈને ભારત બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર હાઇ એલર્ટ છે. આ દરમિયાન બોર્ડર સિક્યુરિટી ફોર્સે બોર્ડરની સુરક્ષાને મજબૂત કરતાં ખૂબ જ મહત્વપૂર્ણ ચિકન નેક એટલે કે સીલીગુડી કોરિડોર ક્ષેત્રમાં લગભગ 75 ટકા વિસ્તારમાં નવી ડિઝાઇનની ફેન્સિંગ (NDF – New Design Fencing) લગાવી દીધી છે.
12 ફૂટ ઊંચી આ નવી વાડની વિશેષતા એ છે કે તેને કાપવી અત્યંત મુશ્કેલ છે અને તેની જટિલ સંરચનાને કારણે તેને ઓળંગવી લગભગ અશક્ય છે, જે ઘૂસણખોરી અને પશુઓની તસ્કરી રોકવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
BSF ના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષા વ્યવસ્થાને ‘સ્માર્ટ બોર્ડર’ ના વિઝન હેઠળ અત્યાધુનિક બનાવવામાં આવી રહી છે. નવી ફેન્સિંગની સાથે સરહદ પર હાઈ-રેઝોલ્યુશનવાળા પેન-ટિલ્ટ-ઝૂમ કેમેરા લગાવવામાં આવ્યા છે, જે કંટ્રોલ રૂમને રિયલ-ટાઇમ લાઈવ ફીડ મોકલે છે. આ ટેકનોલોજીની મદદથી કોઈપણ શંકાસ્પદ હિલચાલ પર ત્વરિત પ્રતિક્રિયા આપવી શક્ય બની છે.
વધુમાં, BSF એ તેના ‘એરિયા ડોમિનેશન પ્લાન’માં ફેરફાર કરીને તસ્કરીના મૂળ સુધી પહોંચવા માટે ભારતીય ક્ષેત્રની અંદર ઘણા કિલોમીટર સુધી જઈને દરોડા પાડવાની રણનીતિ અપનાવી છે, જેથી તસ્કરીની કડીઓને મૂળિયાંસોંતી ઉખેડી શકાય.
સરહદ પરના ગુનાઓ રોકવા માટે BSF એ માત્ર કડકાઇ જ નહીં, પરંતુ ‘સમુદાય-કેન્દ્રિત’ અભિગમ પણ અપનાવ્યો છે. દળના જવાનો શંકાસ્પદ તસ્કરો અને વચેટિયાઓના ઘરે જઈને તેમના પરિવારોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓના ગંભીર પરિણામો વિશે માહિતગાર કરી રહ્યા છે. આ વિશ્વાસ-નિર્માણના પ્રયાસોને કારણે છેલ્લા એક વર્ષમાં માનવ તસ્કરી અને પશુઓની હેરાફેરીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
આ ઉપરાંત, અજાણતા સરહદ ઓળંગી જનારા નિર્દોષ બાંગ્લાદેશી નાગરિકોની યોગ્ય તપાસ અને ફિંગરપ્રિન્ટ લીધા બાદ તેમને સૌહાર્દપૂર્ણ રીતે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) ને સોંપવાની માનવીય પ્રક્રિયા પણ ચાલુ રાખવામાં આવી છે.
આ પણ વાંચો…ગંગા જળ સંધિ પર મમતા બેનર્જીનું વલણ વધારશે બાંગ્લાદેશની ચિંતા, જાણો વિગતે



