નવસારીમાં ગૌ-હત્યામાં સાથ આપવાનો ઈનકાર કરતા કસાઈઓ કરી નાખી યુવકની કરપીણ હત્યા

નવસારી: જિલ્લાના દાભેલ ગામમાં ગાયની કતલ કરવામાં સાથ આપવાનો ઇનકાર કરવા બદલ એક યુવક પર સ્થાનિક કસાઈઓના ટોળા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા દીપક કાલિદાસ હળપતિ નામના યુવકનું આજે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મૃતકની પત્ની સુનીતાબેનના જણાવ્યા મુજબ, ચાર-પાંચ દિવસ અગાઉ જ્યારે દીપકે આરોપીઓ સાથે ગાય કાપવા જવાની ના પાડી ત્યારે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ તેના પર નિર્મમ હુમલો કરવામાં આવ્યો હતો.
આ ચકચારી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર મામલો લોકોની નજરમાં આવ્યો હતો, જેમાં દીપક હોસ્પિટલના ખાટલે અત્યંત ગંભીર હાલતમાં જોવા મળી રહ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા એસટી-એસસી સેલના નાયબ પોલીસ અધિક્ષક હરેશ ચંદુએ મીડિયાને જણાવ્યું હતું કે, હુમલામાં ગંભીર ઈજાઓ થવાને કારણે પીડિતનું મોત થયું છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી છે અને મૃતદેહના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સામાજિક કાર્યકર જય પટેલ નગરાજે હોસ્પિટલની મુલાકાત લઈને આ અન્યાય સામે અવાજ ઉઠાવતા જણાવ્યું હતું કે, દાભેલમાં હળપતિ સમાજના લોકો સતત હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. તેમણે તમામ આરોપીઓ સામે કડકમાં કડક પગલાં ભરી પીડિત પરિવારને ન્યાય અપાવવાની માંગ કરી છે. બીજી તરફ, આ ઘટનાને લઈને રાજકીય ગરમાવો પણ તેજ થયો છે.



