વિધાનસભાની ચૂંટણીમાં બીઆરએસ 95-100 બેઠકો જીતશેઃ કે. કવિતા
હૈદરાબાદઃ તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારીઓ પૂર્ણ કરી છે. તમામ પક્ષોએ વોટબેંકને આકર્ષવા માટે લોકોને ચૂંટણી વચનો પણ આપ્યા છે. દરમિયાનમાં બીઆરએસના એમએલસી કે. કવિતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વખતે તેમનો પક્ષ વિધાનસભા ચૂંટણીમાં 95 થી 100 બેઠકો જીતશે. રાજ્યમાં 119 બેઠકો પર મતદાન થશે તેવું જાણવા મળે છે.
તેમણે કહ્યું કે મને સત્તામાં પાછા આવવાનો પૂરો વિશ્વાસ છે કારણ કે તેલંગાણાના લોકો હંમેશા અમારી સાથે રહ્યા છે અને અમે હંમેશા તેમની સાથે છીએ. અમે વ્યવહારિક રીતે ઘણા એવા કામો કર્યા છે જેનું આ દેશના કોઈ રાજ્યએ સ્વપ્નમાં પણ વિચાર્યું ન હોય. અમારો ટાર્ગેટ 95 થી 100 બેઠકો છે. અમે ચોક્કસપણે એ નંબરની ખૂબ નજીક પહોંચીશું. અમે સત્તામાં પાછા આવી રહ્યા છીએ.
મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવની સરકાર સામે રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોને નકારી કાઢતા કવિતાએ કહ્યું કે ગાંધી પરિવારે ચૂંટણી પ્રચાર માટે કોઈપણ રાજ્યમાં આવતા પહેલા ખરેખર તેમનું હોમવર્ક કરવું જોઈએ. કમનસીબે, રાહુલ ગાંધી કોઈ નેતા નથી. તેમને જે પણ સ્ક્રિપ્ટ આપવામાં આવે છે તે તેઓ વાંચે છે. સત્તાવાર રીતે, કેન્દ્ર સરકારના સર્વે અનુસાર, તેલંગાણા સમગ્ર દેશમાં સૌથી ઓછું ભ્રષ્ટ રાજ્ય છે.