દેશમાં સમાનતા જાળવવા આપસમાં ભાઇચારો જરૂરી: ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ.
જયપુર: દેશના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે શનિવારે જણાવ્યું હતું કે દેશમાં સમાનતા જાળવવા માટે આપસમાં ભાઇચારો હોવો જરૂરી છે. તેમણે બિકાનેરમાં હમારા સંવિધાન, હમારા સન્માન'ના રાજ્ય-સ્તરના કાર્યક્રમને સંબોધતા સવાલ કર્યો હતો કે જો લોકો આપસમાં લડશે, તો દેશની પ્રગતિ કઇ રીતે થઇ શકશે? ચંદ્રચૂડે જણાવ્યું હતું કે આપણે એકબીજાને માન આપવું જોઇએ. દેશના બંધારણના ઘડવૈયાઓએ બંધારણ તૈયાર કરતી વખતે તેમાં
માનવ સન્માન’ની બાબતને પ્રાધાન્ય આપ્યું હતું.
દેશના મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે ડૉ. બાબાસાહેબ આંબેડકર બંધારણનો મુસદ્દો તૈયાર કરનારી સમિતિના અધ્યક્ષ હતા અને તેમણે બંધારણમાં ન્યાય, સ્વતંત્રતા, ભાઇચારા અને વ્યક્તિગત સન્માનની બાબતને પ્રાથમિકતા
આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે દેશની જિલ્લા અદાલતોનું સ્તર સુધારવા માટે અનેક પગલાં લેવાઇ રહ્યા છે. જિલ્લા અદાલતોની ઇમારતોને અત્યાધુનિક યુગને અનુરૂપ બનાવવાની કોશિશ થઇ રહી છે.
ચંદ્રચૂડે જણાવ્યું હતું કે કાયદા અંગે જાગૃતિ લાવવા અને કાનૂની સેવાની જાણકારી ફેલાવવા માટે આધુનિક ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરાઇ રહ્યો છે. આ ઉપરાંત, સર્વોચ્ચ અદાલત આધુનિક ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને ક્ષમતા વધારી રહી છે. કેન્દ્રના કાયદા વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન અર્જુન રામ મેઘવાળે પણ આ કાર્યક્રમને સંબોધ્યો હતો. (એજન્સી)ઉ