ઇન્ડિયન નેવીમાં પહેલી વાર ભાઇબહેનની જોડી રચશે ઇતિહાસ
ભારતીય નૌકા દળના ઇતિહાસમાં આ પહેલી વાર બની રહ્યું છે કે એક જ પરિવારના ભાઇ-બહેન એક જ સમયે નૌકા દળના જહાજને કમાન્ડ કરવા જઇ રહ્યા છે. કમાન્ડર પ્રેરણા દેવસ્થલી અને કમાન્ડર ઇશાન દેવસ્થલી બંને ભાઇબહેન છે. આ બંને ભાઇ-બહેન એક જ સમયે નૌકા દળના અલગ અલગ યુદ્ધ જહાજને કમાન્ડ કરી રહ્યા છે.
કમાન્ડર પ્રેરણા દેવસ્થલી ગયા વર્ષે ભારતીય નૌકા દળમાં યુદ્ધ જહાજનું કમાન્ડ કરનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા હતા. આ પહેલા તે INS ચેન્નાઈમાં ફર્સ્ટ લેફ્ટનન્ટ હતા. તેઓ 2009માં નેવીમાં જોડાયા હતા. હાલમાં તેઓ આઇએનએસ ત્રિકાંતનું કમાન્ડિંગ કરી રહ્યા છે. આઇએનએસ ત્રિકાંત ઝડપી હુમલો કરનાર જહાજ છે. પર્સનલ લાઇફની વાત કરીએ તો પ્રેરણા મૂળ મુંબઇની છે. તેમણે કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરીમાં અભ્યાસ કર્યા બાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સાયકોલોજીમાં એમએ કર્યું છે. પ્રેરણા નૌકા દળના પરિવારમાંથી આવે છે. તેમણે નૌકા દળના અધિકારી સાથે જ લગ્ન કર્યા છે અને તેમને સાડા ત્રણ વર્ષની એક દીકરી પણ છે. પ્રેરણાને નાનપણથી જ એરક્રાફ્ટ, નેવી, હેલિકોપ્ટરમાં રસ હતો અને તેના પરિવારે પણ તેને પૂરતું પ્રોત્સાહન આપ્યું હતું. ભણવામાં તે ઘણી તેજસ્વી હતી અને સાથે સાથે તેને ટેનિસ, સ્વિમિંગ જેવી ઇતર પ્રવૃતિઓમાં પણ રસ હતો.
આ પણ વાચો: ઘરમાં છુપાયેલા આંતકીને બહાર કાઢવા સેનાએ કર્યો બ્લાસ્ટ, લશ્કર-એ-તૈયબાનો આતંકી ઠાર
પ્રેરણાના ભાઇની વાત કરીએ તો કમાન્ડર ઇશાન દેવસ્થલીએ પણ બહેનની રાહ પર ચાલીને નૌકા દળ જોઇન કર્યું હતું. ઇશાન દેવસ્થલીને આઇએનએસ વિભૂતિની જવાબદારી સોંપવામાં આવી છે. INS વિભૂતિ ભારતીય નેવીનું વીર ક્લાસ મિસાઈલ જહાજ છે. આ જહાજે અરબી સમુદ્રમાં ગોવા કિનારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આપવામાં આવેલા સ્ટીમ પાસ્ટમાં ભાગ લીધો હતો.
બંને ભાઇ બહેન હાલમાં વેસ્ટર્ન કમાન્ડ હેઠળ પોતપોતાના યુદ્ધ જહાજોને કમાન્ડ કરી રહ્યા છે.
ભારતીય નૌકા દળ વિશેઃ-
ભારતીય નૌકા દળે દરિયામાં અનેક વાર તેમની ક્ષમતાઓ અને વ્યૂહાત્મક અસરકારકતા દર્શાવી અસંખ્ય લોકોના જીવ બચાવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં ભારતીય નૌકા દળે બલ્ગેરિયન ક્રૂને હાઇજેક કરાયેલા જહાજમાંથી બચાવ્યા હતા. ત્યાર બાદ બલ્ગેરિયાના રાષ્ટ્રપતિએ દેશના રાષ્ટ્રપતિ મુર્મુને ફોન કરી આભાર પણ વ્યક્ત કર્યો હતો. 7 નવેમ્બર 2024 ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય નૌકાદળ દ્વારા ઓપરેશનલ પ્રદર્શનો જોયા હતા. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં ભારતીય નૌસેનાની પ્રશંસા કરી હતી.