ભાઇ શિવરાજ તમને વચન આપે છે તમારી આવક મહિનાના દસ હજાર થશે: સીએમ શિવરાજસિંહ ચૌહાણ

મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં આજે લાડલી બહેના સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સીએમ શિવરાજસિંહ ચૌહાણે બહેનોના ખાતામાં યોજના હેઠળની સહાયની રકમ ટ્રાન્સફર કરી હતી. આ તકે તેમણે ‘ફૂલોં કા તારોં કા સબકા કહેના હૈ.. તેમજ ‘નહીં મેં નહીં દેખ સકતા તુઝે રોતે હુએ..’ જેવા ગીતો ગાયા. વિશાળ જનસભામાં સંબોધન કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે મારી બહેનોના જીવનમાં હું કાંટા નહિ રહેવા દઉં. મારી બહેનો સાથે મારો ફક્ત રાખડીનો જ નહિ, પ્રેમનો સંબંધ છે. દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો ફાડીને શ્રીકૃષ્ણના હાથ પર બાંધ્યો હતો, ત્યારથી રક્ષાબંધન ઉજવી રહ્યા છીએ.
સીએમ શિવરાજે કહ્યું હતું કે આજે મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે મારા રાજ્યમાં વરસાદ થાય ભગવાન અને મારી બહેનોના આશીર્વાદને લીધે જોરદાર વરસાદ થઇ રહ્યો છે. મેં ભગવાનને કહ્યું કે મારી બહેનોના ભાગનું દુ:ખ મને આપી દો. મારા ભાગના તમામ સુખ બહેનોને આપી દો. લાડલી બહેન યોજના ફક્ત યોજના નથી. તે એક આંદોલન છે. મારી બહેનોનું જીવન મજબૂત કરવાનું આ આંદોલન છે. લાડલી બહેના યોજનાની સહાય એ ફક્ત રૂપિયા નથી. બહેનોનું સન્માન છે. જેનાથી તેમનું જીવનધોરણ સુધર્યું છે.
આજે બહેનો આર્થિક રીતે મજબૂત થઇ રહી છે. ગામડાની બહેનો માટે સ્ટ્રીટ વેન્ડર યોજના શરૂ કરી છે. આ યોજનાઓથી બહેનો પગભર થઇ રહી છે. ભાઇ શિવરાજ તમને વચન આપે છે કે તમારી આવક મહિનાના દસ હજાર કરવાની મારી જવાબદારી છે. બહેનોને ગરીબ નહિ રહેવા દઇએ, તેમને લાખોપતિ બનાવીશું એમ સીએમ શિવરાજસિંહ ચૌહાણે તેમના સંબોધનમાં જણાવ્યું હતું.