ભારતીય હાઈ કમિશનર સાથે ગેરવર્તણૂકના કિસ્સામાં બ્રિટને કાર્યવાહી કરવાનું વચન આપ્યું…
નવી દિલ્હી: ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને બે ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા. એક ચેનલ પર પોસ્ટ કરાયેલા વિડિયોમાં એક વ્યક્તિ જે ખાલિસ્તાન તરફી કાર્યકર્તા હોવાનું કહેવાય છે, તે દોરાઈસ્વામીને ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવે છે. ખાલિસ્તાન સમર્થકોના એક જૂથ દ્વારા સ્કોટલેન્ડમાં ગુરુદ્વારામાં પ્રવેશતા રોકવાના મામલે બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનરને યુનાઈટેડ કિંગડમ સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધો છે. અને બ્રિટને ભારતને ગુનેગારો સામે પગલાં લેવાની ખાતરી આપી છે.
પોલીસ સમયસર ઘટનાસ્થળે પહોંચી અને યુકેએ ભારતને ગુનેગારો સામે કાર્યવાહીનું કરવાનું આશ્વાસન આપ્યું હતું. બ્રિટનમાં ગુરુદ્વારા હંમેશા ભારતીય રાજદ્વારીઓ અને ભારતીય સમુદાયનું સ્વાગત કરે છે. માત્ર થોડા કટ્ટરપંથીઓ આ બધું સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે કરતા હોય છે.
આ ઘટનાને લઈને ભારતે બ્રિટિશ વિદેશ કાર્યાલય સમક્ષ રાજદ્વારીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું હતું કે ગ્લાસગોના ગુરુદ્વારાએ હાઈ કમિશનર દોરાઈવામીને એક કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ કોઈક રીતે આ બે કટ્ટરપંથી લોકોને તેની જાણ થઈ અને તેમના આગમન પર હંગામો મચાવ્યો હતો. આ બંને કટ્ટરપંથીઓને ગુરુદ્વારા વહીવટ સાથે કોઈ લેવાદેવા નથી. હાઈ કમિશનર ગુરુદ્વારામાં જઈને સમારોહ બગાડવા ઇચ્છતા ન હતા, તેથી તેમણે અંદર જવાનું ટાળ્યું હતું. જો કે ભારતીય હાઈ કમિશનર ત્યાંથી પરત ફર્યા બાદ પણ ગુરુદ્વારા સત્તાવાળાઓએ તેમને પાછા ફરવા વિનંતી કરી હતી, પરંતુ સુરક્ષાની ચિંતાઓને કારણે દોરાઈસ્વામી કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. તેમણે કહ્યું હતું કે બ્રિટનની સ્થિતિ કેનેડાની સ્થિતિથી વિપરીત છે. કેનેડાએ ક્યારેય ભારતીય પક્ષની ચિંતા’ને ગંભીરતાથી લીધી નથી, જ્યારે બ્રિટને પહેલા દિવસથી જ આ જૂથો સામે પગલાં લીધાં છે અને મામલાને ગંભીરતાથી લીધો છે.