કૈસરગંજ સીટ માટે બ્રિજભૂષણ સિંહની જીદ બની ભાજપ હાઈકમાન્ડ માટે માથાનો દુખાવો
લોકસભા ચૂંટણી 2024 માટે NDAએ ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ 62 ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે હજુ પણ 12 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી. મહત્વની વાત એ છે કે ભાજપની 9 બેઠકો એવી છે કે જ્યાં પાર્ટીએ ગત વખતે ચૂંટણી જીતી હતી. જો કે મોટી સમસ્યા એ છે કે પાર્ટી આ બેઠકો પર તેના જૂના સાંસદોને બદલે નવા ચહેરાઓ પર દાવ લગાવવા માંગે છે, પરંતુ બ્રિજભૂષણ શરણ સિંહ પાર્ટી માટે સૌથી વધુ ચિંતાજનક બન્યા છે.
વાત એમ છે કે, ભાજપે આ વિવાદાસ્પદ નેતાઓમાંથી કોઈ એકની ટિકિટ કાપવી છે, અને તેમાંના આ એક એટલે કૈસરગંજ લોકસભા બેઠકના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ છે. બ્રિજ ભૂષણ સિંહ પર કુસ્તી સંઘના અધ્યક્ષ હોવા દરમિયાન મહિલા કુસ્તીબાજોનું યૌન શોષણ કરવાનો આરોપ છે અને તેમના કારણે વિરોધ પક્ષો ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપ તેમનું પત્તુ કાપે તે લગભગ નક્કી માનવામાં આવે છે.
આ પણ વાંચો: આજે આવી શકે છે ભાજપનું બીજુ લિસ્ટ, બ્રિજભૂષણ, મેનકા અને વરુણ ગાંધીનું કપાશે પત્તુ?
એક તરફ બ્રિજ ભૂષણની ટિકિટ કપાશે તેવા મીડિયા રિપોર્ટ આવી રહ્યા છે, તો બીજી તરફ સૌથી મોટી સમસ્યા એ છે કે બ્રિજ ભૂષણ તેમની સીટ છોડવા તૈયાર નથી, તેઓ પોતાની માગને લઈ ભાજપ હાઈકમાન્ડની સામે અડગ છે. જો કે ભાજપે તેમની પત્ની અથવા પુત્ર પ્રતીકને ટિકિટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે, પરંતુ બ્રિજ ભૂષણ આ માટે પણ તૈયાર નથી.
ઉલ્લેખનિય છે કે ગયા મહિને ભાજપે જ યુપીના પોતાના ઘણા અગ્રણી નેતાઓની ટિકિટ ફાઈનલ કરી હતી. પક્ષે ખેડૂતોના આંદોલનને કારણે વિવાદોમાં રહેલા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીને ખીરી બેઠક પરથી ટિકિટ આપી હતી, પરંતુ દેશની મહિલા રેસલર્સ સંબંધિત વિવાદને કારણે પાર્ટી બ્રિજભૂષણ સિંહને ટિકિટ આપવાનું ટાળી રહી છે. જો કે સાંસદ બ્રિજભૂષણ સિંહ તેમની માગને લઈ ભાજપ હાઈકમાન્ડની વાત માનવા પણ તૈયાર નથી.