ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહને ઝટકોઃ કોર્ટે આપ્યો આ આદેશ
નવી દિલ્હીઃ મહિલાઓના કથિત યૌન શોષણના કિસ્સામાં કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહને રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે બ્રિજભૂષણ સામે આરોપો ઘડવાનો આદેશ આપ્યો છે. એની સાથે બ્રિજભૂષણના સેક્રેટરી વિનોદ તોમરની સામે આરોપ ઘડવાનો આદેશ આપ્યો છે.
રાઉઝ એવન્યુ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે આ આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે બ્રિજભૂષણ સામે આરોપો ઘડવા માટે પર્યાપ્ત પુરાવાઓ છે. બ્રિજભૂષણ સિંહ સામે આઈપીસી 354 (કોઈ મહિલાની ગરીમાને ઠેસ પહોંચાડવા સંબંધિત તેના પર હુમલા અથવા ગુનાહિત બળ), 354એ (જાતીય સતામણી) અને 506 અન્વયે ગુનાહિત ધમકી હેઠળ આરોપો ઘડવાનો આદેશ આપ્યો હતો.
દરમિયાન કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે વિનોદ તોમર વિરુદ્ધ કલમ 506 (1) હેઠળ આરોપો ઘડવાના પુરાવા છે. આગામી સુનાવણી 21મી મેના હાથ ધરવામાં આવશે, જેમાં આરોપીઓએ આવીને સહી કરવાની રહેશે.
જોકે, કોર્ટે છઠ્ઠા કુસ્તીબાજ દ્વારા મૂકવામાં ાવેલા આરોપોમાંથી બ્રિજભૂષણ નિર્દોષ જાહેર કર્યો છે, પરંતુ દિલ્હી કોર્ટે પાંચ મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીના કેસમાં બ્રિજભૂષણ સામે આરોપો ઘડ્યા છે. દિલ્હી પોલીસે બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ પંદરમી જૂન, 2023ના આઈપીસીની ઉપરોક્ત કલમ અન્વયે આરોપનામું દાખલ કર્યું હતું.
અગાઉ દિલ્હી પોલીસે મહિલા પહેલવાનોના આરોપો અંગે તપાસ પણ કરી હતી, ત્યારબાદ બ્રિજભૂષણ વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરી હતી. દિલ્હી પોલીસની ચાર્જશીટના આધારે કોર્ટે 26મી એપ્રિલના પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.