એક દિવ્યાંગ જેસીબી ડ્રાઈવર આટલો ફેમસ કેમ થઈ ગયો ? જાણો તેની બહાદુરીનો કિસ્સો

હિંમત અને બહાદુરી સાથે સંવેદનશીલતા ભળે ત્યારે ચમત્કારો થતા હોય છે. ચારેતરફ પાણી જ પાણી હોય, નદીં ગાંડીતૂર બની હોય, રાતનું અંધારું ઘેરાતું હોય અને સામે છેડે અજાણ્યા લોકો જીવન માટે ઝઝૂમતા હોય તો આપણે શું કરીએ? શક્ય હોય તો સરકારી મદદ તેમના સુધી પહોંચે અને તેમને બચાવી લેવાય તેવું કંઈક કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ બસ. પણ પોતાનો જીવ જોખમમાં મૂકી તેમને સામે પાર બચાવવા તો ન જઈએ. મનમાં સાચી લાગણી હોય તો હિંમત ખૂટે ને હિંમત હોય તો પણ અજાણ્યા માટે જીવન જોખમમાં શા માટે મૂકવું તેવી સ્વાર્થવૃત્તિ મનમાં આવી જ જાય, પણ એવા માણસો પણ છે જેમનામાં બન્ને છે. આવો જ એક દેવદૂત બનીને આવેલો જેસીબી ડ્રાઈવર સુભન ખાન તેલંગણા-આંધ્ર પ્રદેશમાં લોકપ્રિય થઈ ગયો છે અને તેના પર ચોમેરથી પ્રશંસા વરસી રહી છે.
સુભાન હરિયાણાના મેવાતનો રહેવાસી છે અને વેંકટનાથન નામના એક કૉન્ટ્રાક્ટરના જેસીબી ડ્રાઈવર તરીકે તેલંગણામાં કામ કરે છે. તેલંગણામાં વરસાદને કારણે સ્થિતિ નિયંત્રણ બહાર નીકળી ગઈ છે. એવામાં અહીંના ખમ્મમ જિલ્લામાં આવેલી મન્નેર નદી ગાંડીતૂર થઈ હતી. નદીમાં પૂર આવવાને લીધે અહીં પ્રકાશ નગર પુલ પર લોકો ફસાયા હતા. લોકોએ સરકાર પાસે મદદ માગી અને સરકારે હેલિકૉપ્ટર મોકલ્યું પણ ખરું, પણ ખરાબ હવામાનને કારણે તેમનાં સુધી પહોંચી શક્યું નહી. અંધારુ થતું હતું અને લોકોને મદદ કરવાનો કોઈ રસ્તો મળતો ન હતો ત્યારે દિવ્યાંગ એવા સુભાને હિંમત બતાવી અને જેસીબી લઈ જવાનું નક્કી કર્યું. બધાએ તેને રોક્યો અને આ બહુ જોખમી સાબિત થઈ શકે તેમ છે તે સમજાવવાની કોશિશ કરી ત્યારે સુભાને ખૂબ જ સરસ વાત કરી કે જો હું તણાઈ જઈશ તો હું એકલો મરીશ, પણ જો એમ નહીં થાય તો નવ જીવ બચી જશે. આવી હામ રાખનાર સાથે ભગવાનના પણ આશીર્વાદ હોય જ તે ન્યાયે સુભાને જેસીબી સાથે પૂરમાં ઝંપલાવ્યું. પાણીમાં જેસીબી ગરકાવ થતું હતું, પ્રવાહ એટલો હતો કે સુભાને એક-બે વાર તો પાછું ફરવું પડ્યું, પણ એકાદ કલાક બાદ પાણીનું સ્તર થોડું નીચે જતા તેણે ફરી જહેમત કરી અને નવ જણને હેમખેમ લઈ તે પાછો ફર્યો.
તેની આ હિંમત અને માનવતાને લીધે ઠેર ઠેર તેને લોકો હારતોરાથી નવાઝી રહ્યા છે. એઆઈએમના વડા અસદ્દુદીન ઔવેસીએ તેને રૂ. 51,000નો ચેક આપ્યો અને તેની હિંમતને દાદ આપી. આ સાથે સુભન ખાન દિવ્યાંગ હોઈ તેને સરકારી આવાસ આપવાની પણ માગણી કરી છે