રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન અંગે ભાજપમાં મનોમંથન
રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં યોજાયેલી ચૂંટણીઓમાં શાનદાર જીત મેળવ્યા બાદ હવે ભાજપમાં મુખ્ય પ્રધાન પદે કોની વરણી થશે તે અંગે રહસ્ય ઘેરાયું છે. ભાજપની છાવણીમાં ગહન ચર્ચા ચાલી રહી છે. હાઇકમાન્ડ પણ આ મામલે મનોમંથન કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે ભાજપ એવા જ નેતાઓને મુખ્યપ્રધાન બનાવશે જે વિધાનસભાની જેમ લોકસભાની ચૂંટણીમાં પણ ફાયદો અપાવી શકે.
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં અનુક્રમે શિવરાજસિંહ ચૌહાણ તથા વસુંધરા રાજે સિંધિયાનું નામ સીએમ પદની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે. તો છત્તીસગઢમાં ઓપી ચૌધરી, ગોમતી સાય જેવા નેતાઓના નામ ચર્ચામાં છે.
મધ્ય પ્રદેશની ૨૩૦ વિધાનસભા બેઠક પર ૧૭ નવેમ્બરે મતદાન થયું હતું, જેના પરિણામો ૩ ડિસેમ્બરે જાહેર થયા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૬૦ બેઠક જીતી હતી. જ્યારે કૉંગ્રેસ માત્ર ૬૫ બેઠકો પર જ સમેટાઇ ગઇ હતી. મધ્યપ્રદેશમાં ભાજપની જીત બાદ સીએમ પદને લઈને પાર્ટીની અંદર મંથન શરૂ થઈ ગયું છે. આમ તો ઘણા નામો પર ચર્ચાવિચારણા થઈ રહી છે, પરંતુ ભાજપ આ વખતે શિવરાજસિંહ ચૌહાણને ફરી મુખ્યપ્રધાન બનાવે તેવું તમામને લાગી રહ્યું છે. રાજસ્થાનની ૧૯૯ વિધાનસભા બેઠકો પર ૨૫ નવેમ્બરે મતદાન થયું હતું, તેના પરિણામો પણ
૩ ડિસેમ્બરે જાહેર થયા હતા. આ દરમિયાન ભાજપે ૧૧૫ બેઠક જીતી હતી. જ્યારે કૉંગ્રેસને માત્ર ૬૯ બેઠકો મળી હતી. ભાજપ માટે રાજસ્થાનમાં મુખ્ય પ્રધાન પદની જાહેરાત કરવી એ એક અઘરો નિર્ણય છે. રાજસ્થાનને જીતવામાં વસુંધરા રાજેનું યોગદાન જોતા ભાજપ વસુંધરાને નારાજ કરવાનું જોખમ લે તેવી શક્યતાઓ ઓછી છે. વસુંધરા રાજે સિવાય બાબા બાલકનાથ, ઓમ બિરલા અને કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલના નામ પણ ચર્ચામાં છે.