દિલ્હીની હૉસ્પિટલોને બૉમ્બની ધમકી
નવી દિલ્હી: દિલ્હીમાં આવેલી એઈમ્સ અને સફદરજંગ સહિત કેટલીક હૉસ્પિટલોને અને એક મોલને મંગળવારે બૉમ્બની અફવાના ઈ-મેઈલ મળ્યા હતા અને જેને કારણે સત્તાવાળાઓએ આ પરિસરોમાં તપાસ આદરી રહી છે, એમ સત્તાવાળાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. નાંગલોઈમાં આવેલી હૉસ્પિટલમાંથી 1.04 વાગ્યે અને દિલ્હીના ચાણક્યપુરીમાં આવેલી પ્રાઈમસ હૉસ્પિટલમાંથી 1.07 વાગ્યે ફોન આવ્યો હતો કે તેમને બૉમ્બની ધમકી મળી છે, એમ દિલ્હી ફાયર સર્વિસીસના અધિકારીએ જણાવ્યું હતું.
ફાયર ટેન્ડર, બોમ્બ ડિટેક્શન ટુકડી અને પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને ઊંડી તપાસ હાથ ધરવામાં આવી રહી છે, એવી માહિતી તેમણે આપી હતી. ઈ-મેઈલ મોકલવામાં આવેલા સ્થળોમાં 50 જેટલી ખાનગી અને સરકારી હોસ્પિટલોનો સમાવેશ થતો હતો, જેમાં એઈમ્સ, સફદરજંગ, અપોલો, મૂલચંદ, મેક્સ અને સર ગંગારામ હોસ્પિટલોનો સમાવેશ થતો હતો.
અમે તમારી હોસ્પિટલોમાં ઘણા વિસ્ફોટકો મૂકી દીધા છે અને તે કાળી બેક-પેકમાં રાખવામાં આવ્યા છે. થોડા કલાકોમાં આ બોમ્બ ફૂટી જશે એમ 12.04 વાગ્યે મોકલવામાં આવેલા આ ઈ-મેઈલમાં કહેવાયું છે. તમે બધા લોહીના પુલમાં સમાઈ જશો. તમારામાંથી કોઈ જીવતા રહેવાને યોગ્ય નથી. માનવતા સિવાય મારે બીજું કશું જ નથી. તમારો આજનો દિવસ છેલ્લો હશે, એમ તેમાં કહેવાયું છે.
આ ઈ-મેઈલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ઈમેઈલ કોર્ટ (સીઓયુઆરટી) જૂથ દ્વારા મોકલવામાં આવ્યો છે અને તેઓ આ બોમ્બ કાંડ માટે જવાબદાર છે. (પીટીઆઈ)