બેંગલૂરુની લોકપ્રિય કૅફેમાં બૉમ્બધડાકો: નવ ઘાયલ
બેંગલૂરુ: શહેરની લોકપ્રિય રામેશ્ર્વરમ કૅફેમાં શુક્રવારે થયેલા વિસ્ફોટને બૉમ્બધડાકો લેખાવતા કર્ણાટકના ડીજીપી આલોક મોહને કહ્યું હતું કે આ મામલે તપાસ ચાલી રહી છે અને દોષીઓને બક્ષવામાં નહીં આવે.
કૅફેમાં શુક્રવારે બપોરે લગભગ એક વાગ્યે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં નવ જણ ઘાયલ થયા હતા. જોકે તેમાંનાં કોઈની હાલત ગંભીર ન હોવાનું તેમણે કહ્યું હતું. અમે તપાસ કરી રહ્યા છીએ. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આ વિસ્ફોટ કરનારને અમે ચોક્કસપણે શોધી કાઢીશું, એમ તેમણે કહ્યું હતું. પત્રકારોને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે ઈજાગ્રસ્તોમાંથી કોઈની હાલત ગંભીર નથી. ઈજાગ્રસ્ત કર્મચારીઓ અને ગ્રાહકોને હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, એમ તેમણે કહ્યું હતું. વિસ્ફોટમાં આઈઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ તપાસ કરી રહી છે. મુખ્ય પ્રધાન સિદ્ધરામૈયા અને ગૃહ પ્રધાન જી. પરમેશ્ર્વરમને ઘટના અંગે માહિતી પૂરી પાડી છે, એમ તેમણે કહ્યું હતું.
ઘટનાને પગલે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને કર્ણાટકના ડીજીપી આલોક મોહન તેમ જ બેંગલૂરુના પોલીસ કમિશનર બી. દયાનંદ તેમ જ અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળના પરિસરનું ઈન્સ્પેક્શન કરી રહ્યા છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) અને આઈબીના અધિકારીઓને પણ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.
કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધરામૈયાએ શુક્રવારે કહ્યું હતું કે દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને ઉચ્ચસ્તરીય તપાસ પણ યોજવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
મળેલી માહિતી મુજબ કોઈ ત્યાં બેગ મૂકીને જતું રહ્યું હતું. ઘટનાને મામલે તપાસ ચાલી રહી હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે ઈજાગ્રસ્તોના જીવ સામે કોઈ જોખમ નથી.
પત્રકારોને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે સીસીટીવી કેમેરાના ફૂટેજ સહિત અન્ય બાબતોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. (એજન્સી)