
મુંબઈ : હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું આજે સોમવારે 89 વર્ષે અવસાન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈના પવન હંસ સ્મશાનગૃહમાં કરવા આવ્યા છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાજનેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પીએમ મોદીએ
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમજ કહ્યું છે કે ધર્મેન્દ્રના નિધનથી ભારતીય સિનેમાના એક યુગનો અંત આવ્યો છે.
પીએમ મોદી ધર્મેન્દ્રના કાર્યના વખાણ કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે ધર્મેન્દ્ર એક અસાધારણ અભિનેતા હતા જેમણે દરેક ભૂમિકામાં બખૂબી નિભાવી છે. તેમણે ભજવેલી ભૂમિકાઓએ લોકોને પ્રભાવિત કર્યા હતા.
આપણ વાચો: ધર્મેન્દ્રના નિધનને કારણે પંજાબના ફગવાડા ગામમાં શોક, જ્યાં વીત્યું હતું તેમનું બાળપણ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય સિનેમા માટે મોટી ક્ષતિ ગણાવી
અભિનેતા ધર્મેન્દ્રના નિધન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું, “પીઢ અભિનેતા અને ભૂતપૂર્વ સાંસદ ધર્મેન્દ્રજીનું નિધન ભારતીય સિનેમા માટે એક મોટી ક્ષતિ છે. તેઓ સૌથી લોકપ્રિય કલાકારોમાંના એક હતા.
તેમણે દાયકાઓ સુધી ચાલેલી તેમની શાનદાર કારકિર્દીમાં ઘણા યાદગાર અભિનય આપ્યા હતા. ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે તેઓ એક એવો વારસો છોડી ગયા છે જે કલાકારોની યુવા પેઢીઓને પ્રેરણા આપતો રહેશે. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના.”
આપણ વાચો: હિ-મેન ધર્મેન્દ્રની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાઈરલ, અમિતાભ બચ્ચન સાથે છે ખાસ કનેક્શન…
તેમણે ફિલ્મ ઉદ્યોગમાં એક અમીટ છાપ છોડી : અમિત શાહ
જયારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ પર શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે “છ દાયકા સુધી શાનદાર અભિનયથી દેશના દરેક નાગરિકના હૃદયને સ્પર્શી ગયેલા ધર્મેન્દ્રજીનું નિધન ભારતીય સિનેમા જગત માટે મોટી ક્ષતિ છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા તેમણે ફિલ્મ ઉદ્યોગમાં એક અમીટ છાપ છોડી છે.
ધર્મેન્દ્રજી એવા કલાકારોમાંના એક હતા જેમણે તેમના દરેક પાત્રને જીવંત બનાવ્યું હતું. તેમની કલા દ્વારા તેમણે તમામ વય જૂથોના લાખો દર્શકોના દિલ જીતી લીધા. તેમના અભિનય દ્વારા તેઓ હંમેશા આપણી વચ્ચે રહેશે. ભગવાન તેમના દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને તેમના પરિવાર અને ચાહકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.”
આપણ વાચો: બૉલીવુડના ‘હી-મેન’ ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન, ફિલ્મ જગતમાં શોકનો માહોલ
ભારતીય ફિલ્મ ઉદ્યોગે આજે એક અમૂલ્ય સિતારો ગુમાવ્યો : ખડગે
જયારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ અભિનેતા ધર્મેન્દ્રના નિધન દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમજ એક્સ પર લખ્યું હતું કે “ભારતીય ફિલ્મ ઉદ્યોગે આજે એક અમૂલ્ય સિતારો ગુમાવ્યો. પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્ર હવે આપણી વચ્ચે નથી.
વર્ષ 2012 માં પદ્મ ભૂષણથી સન્માનિત, ધર્મેન્દ્રએ દાયકાઓ સુધી સિનેમા પ્રેમીઓના હૃદય પર રાજ કર્યું અને તેમના અસાધારણ અભિનય અને સરળ જીવનથી ઊંડી છાપ છોડી. તેમના નિધનથી એક યુગનો અંત આવ્યો છે. આ દુઃખની ઘડીમાં હું તેમના પરિવાર અને લાખો ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. પ્રભુ તેમની આત્માને શાંતિ અર્પે
ફિલ્મોમાં તેમનું કાર્ય ભૂલી શકાય તેમ નથી : નિતીન ગડકરી
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, “ધર્મેન્દ્ર માત્ર એક સારા અભિનેતા અને સરળ વ્યક્તિ ધરાવતા હતા. મારો તેમની સાથે અંગત સંબંધ હતો. તેઓ દેશ અને ખેડૂતો પ્રત્યે પ્રતિબદ્ધ હતા. ફિલ્મોમાં તેમનું કાર્ય ભૂલી શકાય તેમ નથી. તેમનું અવસાન ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે. તેઓ મને મળવા આવતા હતા. તેમના પુત્રો અને હેમા માલિનીજી સાથે મારા સારા સંબંધો છે.
કલા અને ફિલ્મ જગત માટે મોટી ક્ષતિ : સીએમ યોગી
જયારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, “લોકપ્રિય ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રજીનું નિધન ખૂબ જ દુઃખદ છે અને કલા અને ફિલ્મ જગત માટે એક મોટી ક્ષતિ છે. તેમને નમ્ર શ્રદ્ધાંજલિ! હું ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર અને તેમના ચાહકોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ!”
દમદાર અભિનય અને સરળ વ્યક્તિત્વથી લોકોના દિલ પર રાજ કર્યું : ભુપેન્દ્ર પટેલ
અભિનેતા ધર્મેન્દ્રના નિધન પર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ શોક વ્યકત કર્યો હતો. તેમજ તેમણે એક્સ પર લખ્યું હતું કે, પીઢ અભિનેતા ધર્મેન્દ્રજીના નિધનથી ખૂબ દુઃખ થયું. ભારતીય સિનેમાના “હી-મેન” એ પોતાના દમદાર અભિનય અને સરળ વ્યક્તિત્વથી લોકોના દિલ પર રાજ કર્યું હતું. ભારતીય સિનેમામાં તેમનું યોગદાન અને તેમના નમ્ર, પ્રેમાળ સ્વભાવને હંમેશા પ્રેમ અને આદર સાથે યાદ કરવામાં આવશે. પ્રભુ તેમની આત્માને શાંતિ અર્પે



