બ્યુટિશિયનની કરાઈ ઘાતકી હત્યા, જાણો જોધપુરનો ચોંકાવનારો કિસ્સો
Rajasthan Crime News: રાજસ્થાનના જોધપુરમાં (jodhpur news) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 50 વર્ષની મહિલા અનીતા ચૌધરી (anita chaudhry) ચાર દિવસથી લાપતા હતી. તેની લાશ (dead body) પોલીસને 6 ટુકડામાં મળી હતી. મહિલાના મૃતદેહને પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરીને આરોપીના ઘર પાસે ખાડો ખોદીને દાટવામાં આવ્યા હતા.
પતિએ નોંધાવી હતી ફરિયાદ
27 ઓક્ટોબરે અનીતા ચૌધરી ગુમ થયાની ફરિયાદ તેના પતિ મનમોહન ચૌધરીએ સરદારપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. તપાસ દરમિયાન અનીતાના ફોનમાંથી ગુલ મોહમ્મદ નામના વ્યક્તિના સંપર્કની જાણકારી મળી હતી. જે બાદ પોલીસે આરોપીના ગામમાં તપાસ કરી હતી. પૂછપરછ દરમિયાન ગુલ મોહમ્મદની પત્નીએ પહેલાં કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો પરંતુ કડકાઈથી પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે, તેના પતિએ અનીતાની હત્યા કરીને શબને ઘરની પાછળ દફનાવી દીધું છે.
12 ફૂટના ખાડામાંથી મળ્યો મૃતદેહ
એડીસીપી નિશાંત ભારદ્વાજના નેતૃત્વમાં પોલીસ ટીમે જેસીબીની મદદથી 12 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો હતો. જેમાં પ્લાસ્ટિકના થેલામાંથી શબના ટુકડા મળી આવ્યા હતા. મૃતદેહના છ ટુકડા કરવામાં આવ્યા હતા.
શું છે મામલો
અનીતા ચૌધરી સરદારપુરા બી રોડ સ્થિત અગ્રવાલ ટાવરમાં બ્યૂટી પાર્લર ચલાવતી હતી, જ્યારે આરોપી ગુલ મોહમ્મદની દુકાન પણ તે ટાવરમાં હતી. આ કારણે બંનેની મુલાકાત થઈ હતી. 28 ઓક્ટોબરે અનીતા અંતિમ વખત બ્યૂટી પાર્લર ગઈ હતી, જે બાદ ઘરે પરત ફરી નહોતી. તેના પતિ મનમોહને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. સીસીટીવી ફૂટેજમાં અનીતા ઓટો રિક્ષામાં બેસતી જોવા મળી હતી. ઓટો ચાલકે પોલીસને તે ગંગાના ગામ ગયા હોવાની જાણકારી આપી હતી.
આરોપીની શોધખોળ
ગામમાં પહોંચીને પોલીસે આરોપીની પત્નીની અટકાયત કરીને પૂછપરછ કરી હતી પરંતુ સહયોગ આપ્યો નહોતો. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં ભાંગી પડી હતી અને કબૂલાત કરી હતી. પોલીસે જણાવ્યું કે, હત્યાનું કાવતરું પહેલાંથી રચાયું હતું. કારણકે આરોપીએ પહેલાંથી જ તેના ઘર પાસે ખાડો ખોદ્યો હતો. જ્યારે અનીતાના પુત્રનો આરોપ છે કે ગુલ મોહમ્મદે તેની માતાની છળકપટથી હત્યા કરી હતી. પોલીસ આરોપીને શોધવા જોધપુરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી રહી છે.