વારાણસીમાં ગંગા નદીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બોટ પલટી, NDRF ટીમની ત્વરિત કાર્યવાહી

વારાણસી: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળા દરમિયાન મચેલી નાસભાગ હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. ત્યારે વારાણસીમાં એક મોટી ઘટના બનતા બનતા રહી ગઈ. શુક્રવારે બપોરે વારાણસીમાં માનમંદિર ઘાટની સામે ગંગા નદીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બોટ (Varanasi boat accident) પલટી ગઈ હતી. બોટમાં લગભગ 60 શ્રદ્ધાળુઓ સવાર હતા. અહેવાલ મુજબ એક મોટી બોટ અને નાની બોટ વચ્ચે ટક્કર બાદ આ ઘટના બની હતી.
સદભાગ્યે બોટમાં સવાર તમામ શ્રદ્ધાળુઓએ લાઇફ જેકેટ પહેર્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. ઘટનાસ્થળે હાજર પોલીસ અને NDRF ટીમે તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બચાવી લીધા.
અહેવાલ મુજબ બોટમાં 60 લોકો સવાર હતા, બોટમાં મહિલાઓ અને વૃદ્ધો વધુ હતા. બાળકો ઓછા હતા. બધાને બચાવી લેવામાં આવ્યા છે; એક વ્યક્તિ ઘાયલ થયો છે અને તેને તબીબી સારવાર આપવામાં આવી છે.
પોલીસ અધિકારીએ કહ્યું, “આજે ગંગામાં બે ખાનગી બોટ અથડાઈ હતી. એક બોટમાં 58 લોકો હતા અને બીજીમાં 6 લોકો હતા. મોટી બોટ નાની બોટ સાથે અથડાઈ હતી, જેના કારણે તે પલટી ગઈ હતી. બોટ માલિક વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. “
આ પણ વાંચો…સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિને ‘બિચારી મહિલા’ કહેતા વિવાદ સર્જાયો; જાણો રાહુલ ગાંધીએ શું કહ્યું
મહાકુંભ મેળામાં નાસભાગ:
મૌની અમાસના અવસર પર, મોડી રાત્રે પ્રયાગ મહાકુંભના સંગમ વિસ્તારમાં પવિત્ર સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના આગમનને કારણે થયેલી નાસભાગમાં 30 લોકો મૃત્યુ પામ્યા હતા અને 60 અન્ય ઘાયલ થયા હતા.