ઓડિશાની મહાનદીમાં 50 લોકોથી ભરેલી બોટ પલટી, સાતના મોત
ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં શુક્રવારે મોડી સાંજે એક મોટી બોટ દુર્ઘટના ઘટી હતી. અહીં મહાનદી નદીમાં એક હોડી પલટી જવાથી સાત લોકોના મૃત્યુ થયા હોવાની માહિતી મળી છે. લોકોના મોતની પુષ્ટિ થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકો છત્તીસગઢના રહેવાસી હતા. દરમિયાન, ગુમ થયેલા લોકોને શોધવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.
બોટ બારગઢ જિલ્લાના બંધીપાલી વિસ્તારમાંથી મુસાફરોને લઈ જઈ રહી હતી. બોટમાં 50 લોકો સવાર હતા. મુસાફરી દરમિયાન શારદા ઘાટ પાસે તે પલટી ગઈ હતી. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ રાજ્યના સીએમ નવીન પટનાયકે મુખ્ય સચિવ અને એસઆરસીને બચાવ કાર્યમાં ઝડપ લાવવાનો નિર્દેશ આપ્યો હતો.
5 સ્કુબા ડ્રાઈવર અને 2 કેમેરા પણ હવાઈ માર્ગે સ્થળ પર મોકલવામાં આવ્યા છે. દરમિયાન એવી માહિતી મળી છે કે સ્થાનિક માછીમારો 35 મુસાફરોને બચાવીને બહાર લાવ્યા હતા. બાદમાં પોલીસ અને ફાયર સર્વિસના કર્મચારીઓએ વધુ સાત મુસાફરોને બચાવ્યા હતા. અન્ય સાત મુસાફરો હજુ પણ ગુમ છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.