સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને તણાવ દૂર કરવા બોર્ડ ગેમ્સ અને પ્લેઇંગ કાર્ડસ અપાશે
ઉત્તરકાશી/દેહરાદૂન: સિલ્ક્યારા ટનલની અંદર ૧૨ દિવસથી ફસાયેલા ૪૧ કામદારોને બહાર કાઢવાની કામગીરી અનેકવિધ વિલંબને કારણે વિક્ષેપિત થઇ રહી હોવાથી બચાવકર્તાઓએ બોર્ડ ગેમ્સ અને પ્લેઇંગ કાર્ડસ આપવાનું આયોજન કર્યું હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
બચાવ સ્થળે હાજર મનોચિકિત્સકોમાંના એક ડૉ. રોહિત ગોંડવાલે જણાવ્યું હતું કે, અમે ફસાયેલા મજૂરોને તણાવ દૂર કરવામાં મદદ કરવા માટે લુડો અને ચેસ બોર્ડ અને પ્લેયિંગ કાર્ડ આપવાનું આયોજન કરી રહ્યા છીએ. ઓપરેશનમાં અવરોધો આવતા વિલંબ થઇ રહ્યો હોવાથી હજુ થોડો વધુ સમય લાગી શકે છે. તેમણે કહ્યું કે તમામ ૪૧ કામદારો સ્વસ્થ છે, પરંતુ માનસિક રીતે ફિટ રહેવાની પણ જરૂર છે. ગોંડવાલે જણાવ્યું કે, કામદારોએ અમને કહ્યું કે તેઓ તણાવ દૂર કરવા માટે ચોર-પોલીસ રમે છે, યોગ કરે છે અને દરરોજ કસરત પણ કરે છે. ફસાયેલા કામદારોના માનસિક સ્વાસ્થ્ય પર બોલતા અન્ય તબીબી નિષ્ણાંતે કહ્યું કે, તેઓનું મનોબળ ઊંચુ રાખવાની જરૂર છે. ડૉક્ટરોની ટીમ દરરોજ કામદારો સાથે વાત કરે છે અને તેમના સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ વિશે પૂછે છે. ઉત્તરકાશી અને દેહરાદૂનના જનરલ ફિઝિશિયન અને મનોચિકિત્સકો સહિત એક ડઝન ડૉક્ટરોની ટીમ સ્થળ પર તૈનાત છે.