નેશનલ

I.N.D.I.A vs ભારત વિવાદ વચ્ચે બ્લુ ડાર્ટનો મોટો નિર્ણય

તેના નામમાં ‘ભારત’ ઉમેર્યું

નવી દિલ્હીઃ દેશનું નામ ઇન્ડિયાથી બદલીને ભારત કરવાને લઈને રાજકીય વર્તુળોમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે લોજિસ્ટિક્સ કંપની બ્લુ ડાર્ટે એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ હવે તેની પ્રીમિયમ સર્વિસ ડાર્ટ પ્લસનું નામ બદલીને ભારત ડાર્ટ કરી દીધું છે, એમ બ્લુ ડાર્ટે બુધવારે એક કંપની ફાઇલિંગમાં જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે તે ભારતની વિશાળ જરૂરિયાતોને પૂરી કરવા માટેની કંપનીની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. બ્લુ ડાર્ટે પોતાની પ્રીમિયમ સર્વિસ ડાર્ટ પ્લસનું નામ બદલતા હવે આ સેવા ‘ભારત ડાર્ટ’ તરીકે ઓળખાશે.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 9 સપ્ટેમ્બરે G-20 કાર્યક્રમ દરમિયાન ભારત મંડપમ ખાતે આયોજિત ડિનર માટે મોકલવામાં આવેલા આમંત્રણ પત્રમાં ઇન્ડિયાને બદલે ભારત શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં લખવામાં આવ્યું હતું કે આ આમંત્રણ ‘ભારતના રાષ્ટ્રપતિ’ દ્વારા મોકલવામાં આવ્યું છે.


જેને લઈને રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો હતો. આ મુદ્દો સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો હતો. એવી અટકળો પણ છે કે 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના આગામી વિશેષ સત્રમાં દેશનું ઔપચારિક નામ બદલીને ભારત કરવા પર ચર્ચા થઈ શકે છે. G20 સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન દરમિયાન તેમની સામેની નેમપ્લેટ પર પણ “ભારત” નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બ્લુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડે તેના તમામ શેરધારકોને આ ફેરફાર સ્વીકારવાની અપીલ કરી છે. નામ બદલવાના આ નિર્ણય અંગે કંપનીએ શેરબજારને જાણ કરી દીધી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button