ત્રીજા તબક્કાની ચૂંટણી પહેલા મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો ફટકો, નિર્મલા સપ્રે ભાજપમાં જોડાયા

દેશમાં લોકસભાની ચૂંટણીની મોસમ ચાલી રહી છે. બે તબક્કાનું મતદાન પૂરું થઇ ગયું છે અને હવે ત્રીજા તબક્કાના મતદાન માટે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે. એવામાં મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.
મધ્ય પ્રદેશના સાગર જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાંથી એક પરના કૉંગ્રેસના વિધાનસભ્ય નિર્મલા સપ્રે મુખ્ય પ્રધાન ડો. મોહન યાદવની હાજરીમાં ભાજપમાં જોડાઇ ગયા છે. નિર્મલા સપ્રે બુંદેલખંડમાં અનુસૂચિત જાતિ વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. લોકસભાની ચૂંટણીના માત્ર બે-ત્રણ દિવસ પહેલા તેમનું ભાજપમાં જોડાવું એ કૉંગ્રેસ માટે મોટો ફટકો માનવામાં આવે છે.
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે 7મેના રોજ મતદાન થવાનું છે. આ માટે ડો. મોહન યાદવે ભાજપના ઉમેદવાર લતા વાનખેડેના સમર્થનમાં ચૂંટણી સભા કરી હતી. એ સમયે નિર્મલા સપ્રે ભાજપમાં જોડાયા હતા.
સીએમ ડો. મોહન યાદવે ગુના લોકસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. રાયબરેલીથી ઉમેદવારી પત્રક ભરી રાહુલ ગાંધીએ તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને તેમના પતિ રોબર્ટ વાડ્રાના અધિકારો છિનવી લેવાનું કામ કર્યું છે, એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે રાહુલ ગાંધી હારના ડરથી અમેઠી (ઉત્તર પ્રદેશ)થી વાયનાડ (કેરળ) ભાગી ગયા. હવે કેરળમાં આગળ તો સમુદ્ર છે, નહીં તો મને નથી ખબર તેઓ ક્યાં ગયા હોત.