રાજસ્થાનમાં ભાજપને ઝટકો: પ્રધાનનો કરણપુરમાં પરાજય
જયપુર : રાજસ્થાનમાં ભાજપની સરકાર સત્તારૂઢ થઈ તેના થોડા દિવસો બાદ ભાજપને કરણપુર વિધાનસભાની બેઠકની ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો છે. ભાજપના ઉમેદવાર અને રાજ્યના પ્રધાન સુરેન્દ્ર પાલ સિંહની સોમવારે તેમના કૉંગ્રેસના હરીફ ઉમેદવાર રૂપિન્દર સિંહ કુન્નર સામે 11,283 મતથી નામોશીભરી હાર થઈ હતી. પાંચમી જાન્યુઆરીના મતદાનના દિવસના પહેલાં 30 ડિસેમ્બરે સુરેન્દ્રને ભજનલાલ શર્મા પ્રધાનમંડળમાં સામેલ કરાયા હતા. નિયમો પ્રમાણે તેમની પ્રધાનની નિમણૂક બાદ છ મહિનામાં વિધાનસભ્ય તરીકે તેમને ચૂંટાવાનું હોય છે. ચીફ ઈલેકટ્રોલ ઓફિસરના જણાવ્યા પ્રમાણે રૂપિન્દરને 94,950 મત અને સુરેન્દ્રને 83,667 મત મળ્યા હતા. મતગણતરીના 18 રાઉન્ડ હતા.
સુરેન્દ્ર બીજી વાર કરણપુરથી હારી ગયા છે. 2018માં કુન્નરના પિતા ગુરમીત સિંહે તેમને વિધાનસભાની ચૂંટણીમાં હરાવ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવાર ગુરમીત સિંહનું અવસાન થતાં આ બેઠકની ચૂંટણી મોકૂફ રખાઈ હતી. કૉંગ્રેસે તેમના પુત્ર રૂપિન્દરને ટિકિટ આપી હતી. કુન્નરે કહ્યું હતું કે મને જીતાડનાર કરણપુરની જનતાનો હું આભાર માનું છું. કેન્દ્રીય પ્રધાનો પણ અહીં પ્રચાર કરવા આવ્યા હતા, પરંતુ લોકોએ તેમને ઠુકરાવી દીધા છે અને લોકશાહીનો વિજય થયો છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગહલોટે કહ્યું હતું કે કરણપુરના લોકોએ ભાજપના અભિમાનને હરાવ્યું છે. આ જીત ગુરમીતે કરેલી જાહેરસેવાને સમર્પિત છે. કૉંગ્રેસના બીજા નેતાઓેએ પણ પરિણામ આવે એ પહેલાં અભિનંદનના સંદેશા મૂક્યા હતા. (એજન્સી)