છત્તીસગઢ, ઝારખંડમાં વિસ્ફોટ
સીઆરપીએફના અને આઈટીબીપીના જવાન શહીદ
ગારિયાબંદ: છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં ઈન્ડો તિબેટન બૉર્ડર પોલીસ (આઈટીબીપી)નો એક જવાન શહીદ થયો હોવા ઉપરાંત ઝારખંડના વેસ્ટ સિંઘભૂમ જિલ્લામાં માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા આઈઈડી વિસ્ફોટમાં સીઆરપીએફના એક જવાનું મોત થયું હોવા ઉપરાંત અન્ય બે ઘાયલ થયા હોવાનું વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું. ઈજાગ્રસ્ત જવાનોને સારવારાર્થે રાંચીસ્થિત હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત જવાનોમાંથી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, એમ તેમણે કહ્યું હતું.
છત્તીસગઢમાં શુક્રવારે બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન થયું હતું. મતદાન પૂરું થયા બાદ પોલીસની સુરક્ષા હેઠળ ચૂંટણી અધિકારીઓ પાછા ફરી રહ્યા હતા તે સમયે મણિપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બડે ગોબરા વિલેજ નજીક આ ઘટના બની હોવાનું પોલીસે કહ્યું હતું.
શુક્રવારે સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા દરમિયાન ૭૦ બેઠક માટે મતદાન થયું હતું, પરંતુ સુરક્ષાના કારણોસર ગારિયાબંદ જિલ્લાના નક્સલવાદથી પ્રભાવિત બિન્દ્રનાવાગઢ મતદારક્ષેત્રના નવ ચૂંટણીમથક પર સવારે સાત વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા દરમિયાન મતદાન થયું હતું.
પોલીસની સુરક્ષા હેઠળ ચૂંટણી અધિકારીઓ પાછા ફરી રહ્યા હતા તે સમયે નક્સલવાદીઓએ કરેલા વિસ્ફોટમાં આઈટીબીપીના કોન્સ્ટેબલ જોગિન્દરસિંહનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હોવાનું પોલીસ અધિકારીઓએ કહ્યું હતું.
જોકે, બાકીની પોલીસ ટુકડી સુરક્ષિત રીતે મણિપુર પોલીસ સ્ટેશન પહોંચી હતી.
છત્તીસગઢ વિધાનસભાની કુલ ૯૦ બેઠકમાંથી પ્રથમ તબક્કામાં ૨૦ બેઠક માટે સાત નવેમ્બરે મતદાન કરવામાં આવ્યું હતું. (એજન્સી)