નેશનલ

સચિન જીઆઇડીસીમાં બ્લાસ્ટ: સાતનાં મોત

૧૦ કલાક બાદ મૃતદેહો મળ્યા: ૨૬ કામદારો ઘાયલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતની સચિન જીઆઇડીસી વિસ્તારમાં કેમિકલ બનાવતી એથર કંપનીમાં બુધવારે બ્લાસ્ટ બાદ ફાટી નીકળેલી ભીષણ આગમાં પ્લાન્ટની સાથે કારીગરો અને કર્મચારીઓ લપેટમાં આવતા ૨૬ દાઝી ગયા હતા અને સાત લોકો ગુમ થયા હતાં. જેમાં સાત લોકોનાં મૃતદેહ ૧૦ કલાક બાદ મળ્યા હતા. ફાયર વિભાગે આગમાં દાઝેલા ૨૬ કારીગરો અને કર્મચારીઓને રેસ્ક્યૂ કરી શહેરની વિવિધ હૉસ્પિટલમાં ખસેડયા હતા.જે પૈકી ચારની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એથર કંપનીમાં કેમિકલ સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની લપેટમાં ૨૭ કારીગરો દાઝી ગયા હતા. દાઝી ગયેલા તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કંપનીમાં કામ કરી રહેલા અનેક કારીગરો ગુમ થઈ જવાની બુમ ઉઠી હતી. આગની લપેટમાં દિવ્યેશ પટેલ, સંતોષ વિશ્વકર્મા, સનત મિશ્રા,ધર્મેન્દ્ર કુમાર, ગણેશ પ્રસાદ, સુનીલ કુમાર, અભિષેક સિંહ સહિત સાત લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યુ હતું.

પોલીસે સાત લોકોના કંકાલ કંપનીમાંથી કાઢી સિવિલ પીએમ અર્થ મોકલી આપ્યા હતા. આગ લાગી તે સમયે મોટી સંખ્યામાં કામદારો કંપનીમાં કામ કરતા હતા. ઘટના સમયે કંપનીમાં પ્રોડક્શન ચાલુ હોવાથી ત્યાં કામ કરતા કર્મચારીઓ અને કારીગરોમાં ભાગદોડ મચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે જીવ બચાવવા દોટ મૂકી રહેલા કર્મચારીઓ-કારીગરો પૈકી ૨૬ આગની લપેટમાં આવતા દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતા શરૂઆતમાં સચીન જીઆઈડીસી નોટિફાઈડ એરિયાની. ક્રિભકોની, અદાણીની, હોજીવાલાની અને એલ એન્ડ ટી ફાયરબ્રિગેડની ૧૧ ગાડીઓએ આગ પર કાબુ મેળવવા કવાયત કરી હતી. જોકે, આગ વિકરાળ હોવાથી મદદ માટે સુરત ફાયર બ્રિગેડને જાણ કરતા ભેસ્તાન, મજુરા અને માન દરવાજા ફાયર સ્ટેશનની ચાર ગાડી દોડી આવી હતી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની સાથે દાઝેલા ૨૬ કર્મચારીઓ-કારીગરોને સારવાર માટે શહેરની જુદી-જુદી હૉસ્પિટલમાં ખસેડયા હતા. તે પૈકી મૈત્રી હૉસ્પિટલમાં દાખલ ત્રણ અને નવી સિવિલ હૉસ્પિટલમાં દાખલ એક કારીગરની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું .ફાયર બ્રિગેડને આગ પર કાબૂ મેળવતા ૧૦ કલાક જેટલો સમય લાગ્યો હતો. આગમાં સમગ્ર પ્લાન્ટ બળીને ખાખ થઈ ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આગના સમયે કંપનીમાં કામ કરતા સાત કર્મચારી અને કારીગર ગુમ છે. જેમના મૃતદેહ ફાયરવિભાગને મળ્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button