નેશનલ

ભાજપનો વિજય ‘ટીમ સ્પિરિટ’ને આભારી: મોદી

નવી દિલ્હી: તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલા વિજયનું શ્રેય કોઈ નેતાને નહીં પણ ‘ટીમ સ્પિરિટ’ને આભારી છે તેવું વડા પ્રધાન મોદીએ ગુરુવારે કહ્યું હતું. વડા પ્રધાન મોદી ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં સંબોધન કરી રહ્યા હતા. છેલ્લા ઘણાં વર્ષના ડૅટાને ટાંકીને મોદીએ કહ્યું કે રાજ્યમાં સત્તા મેળવ્યા પછી જ્યારે ચૂંટણી થતી હોય છે ત્યારે મતદારો ભાજપને સૌથી સારો વિકલ્પ માને છે. આઝાદી પછી જે રાજ્યમાં કૉંગ્રેસ સત્તા પર હતી અને ત્યાં ફરી ચૂંટણી થઈ ત્યારે કૉંગ્રેસ ૪૦માંથી ફકત સાત વાર જીતી શકી છે જે ૧૮ ટકાનો સફળતાનો દર છે.
ભાજપે સત્તા પર રહ્યા પછી જ્યારે પણ ચૂંટણીનો સામનો કર્યો છે ત્યારે ૩૯માંથી બાવીસવાર ફરી જનાદેશ પ્રાપ્ત કર્યો છે જે ૫૬ ટકાનો સફળતાનો દર સૂચવે છે. ક્ષેત્રીય દળોએ ૩૬માંથી ૧૮ વાર ફરી જનાદેશ પ્રાપ્ત કર્યો છે જે ૫૦ ટકાનો સફળતાનો દર સૂચવે છે.

સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ મોદીએ કરેલા સંબોધનના કેટલાક અંશની માહિતી આપી હતી. સરકાર ચલાવવા માટે ભાજપ પહેલી પસંદ છે તેવું મોદીએ કહ્યું હતું. રાજ્યમાં બે મુદત સત્તા પર રહ્યા પછી ત્રીજી વાર ચૂંટણીનો સામનો કરવાની તક મળી છે ત્યારે ભાજપની સફળતાનો દર ૫૯ ટકા છે જ્યારે કૉંગ્રેસનો ફકત ૧૪ ટકા છે.

વડા પ્રધાન મોદી જ્યારે બેઠકમાં પહોંચ્યા ત્યારે તમામ સંસદ સભ્યોએ તાળીઓ પાડી અને સૂત્રોચ્ચાર કરી તેમનું સ્વાગત કર્યું હતું. ‘સ્વાગત હૈ ભાઈ સ્વાગત હૈ’, ‘મોદીજી કા સ્વાગત હૈ’ અને ‘મોદી કી ગારંટી, દેશ કી ગારંટી’ના સૂત્રો બેઠકમાં ગુંજી ઊઠયા હતા. ત્રણ રાજ્યમાં વિજય મેળવ્યા ઉપરાંત તેલંગણા અને મિઝોરમમાં ભાજપ વધુ મજબૂત બન્યો છે તેવું મોદીએ કહ્યું હતું. પ્રજા સાથે સંવાદ કરતી વખતે પ્રજાની બોલીમાં વાત કરો તેવું મોદીએ સંસદ સભ્યોને કહ્યું હતું. ‘મોદીજી કી ગારંટી’ નહીં પણ મોદી કી ગારંટી’ તેવું ઉદાહરણ મોદીએ આપ્યું હતું.
ભાજપ પ્રમુખ જે. પી. નડ્ડાએ તાળીઓની ગડગડાટ વચ્ચે વડા પ્રધાનનું હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. સંસદસત્ર ચાલુ હોય ત્યારે લોકસભામાંના અને રાજ્યસભામાંના તમામ સંસદ સભ્યોની બેઠક સપ્તાહમાં એકવાર મળતી હોય છે.

ભાજપે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વિજય મેળવ્યો છે. ભાજપની જીત માટે મુખ્યત્વે મોદીને શ્રેય આપવામાં આવે છે. આ બાબતમાં મોદીએ સ્પષ્ટ કર્યું કે વિજય ‘ટીમ સ્પિરિટ’ને આભારી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button