લોકસભા ચૂંટણી માટે ભાજપની નવી યોજનાઓ, અસંતુષ્ટ નેતાઓને આ રીતે પક્ષમાં સામેલ કરશે
અયોધ્યામાં 22 જાન્યુઆરીનો કાર્યક્રમ અને લોકસભા ચૂંટણીને મુદ્દે ભાજપ સતત એક્શનમાં છે. રાજધાની દિલ્હીમાં મંગળવારે ભાજપ પદાધિકારીઓની બેઠક યોજવામાં આવી. જેમાં લોકસભા ચૂંટણીની રણનીતિ ઉપરાંત રામમંદિરના કાર્યક્રમનો રાજકીય લાભ કઇ રીતે મેળવવો તે અંગે પણ વિસ્તૃત યોજના નક્કી કરવામાં આવી છે. આ બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે, જેમાં પક્ષથી નારાજ અને અસંતુષ્ટ વરિષ્ઠ નેતાઓને કઇ રીતે મનાવવા, તેમને પાર્ટીમાં કઇ રીતે સામેલ કરી લેવા તે બાબતોનું આયોજન કરવા વિશેષ કમિટી રચવામાં આવી છે.
અમુક મીડિયા અહેવાલોને સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ આ કમિટીનું મુખ્ય કામ અલગ અલગ રાજકીય દળોના અસંતુષ્ટ નેતાઓનો સંપર્ક કરવો અને તેમની સાથે ચર્ચા કરી તેમની અપેક્ષાઓ જાણવી, તેમને ભાજપમાં સામેલ કરવા પર કમિટીનું ફોકસ રહેશે. આ કમિટીને અમુક વિશેષ સત્તા આપવામાં આવશે, જેમાં કોઇપણ નેતા સત્તાવાર રીતે ત્યારે જ ભાજપમાં સામેલ થઇ શકશે જ્યારે તેને કમિટીની મંજૂરી મળશે.
દિલ્હીમાં યોજાયેલી આ બેઠકની અધ્યક્ષતા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કરી હતી. તેમના સિવાય અલગ અલગ રાજ્યોમાં ભાજપ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ દ્વારા હજુ બીજી બેઠક યોજાશે, જેમાં અયોધ્યામાં 22 જાન્યુઆરીએ થનારા કાર્યક્રમના આયોજન વિશેની ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં નક્કી કરવામાં આવશે કે ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની વાતો લોકો સુધી કઇ રીતે પહોંચાડી શકાય.
રામમંદિર નિર્માણ અને તે માટે થયેલા આંદોલનની વિગતો દર્શાવતી એક પુસ્તિકા પણ તૈયાર કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા નવા મતદાતાઓ સાથે જોડાવા માટે બૂથ સ્તરે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ચૂંટણી અભિયાનમાં રામ મંદિર આંદોલનમાં વિપક્ષ દ્વારા નકારાત્મક ભૂમિકા ભજવાઇ હોય તેને ભાજપ હાઇલાઇટ કરવાનો પ્રયાસ કરશે. RSS તથા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજીત કાર્યક્રમોને પણ ભાજપ સમર્થન આપશે.