ભાજપના હિસારના સંસદસભ્ય બ્રિજેન્દ્ર સિંહનું રાજીનામું
ચંડીગઢ/નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપના હિસારના સંસદસભ્ય બ્રિજેન્દ્ર સિંહે પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે અને તેને માટે અનિવાર્ય રાજકીય કારણો' હોવાનું જણાવ્યું છે. તેઓ કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ
એક્સ’ પર રાજીનામાની જાહેરાત કરતાં ભાજપના નેતા બિરેન્દર સિંહના પુત્ર બ્રિજેન્દ્ર સિંહ નવી દિલ્હીમાં આવેલા કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને વિપક્ષી પાર્ટીમાં જોડાઈ ગયા હતા.
મેં ભાજપના પ્રાથમિક સભ્યપદેથી અનિવાર્ય રાજનીતિક કારણોસર રાજીનામું આપ્યું છે. હું પાર્ટી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે મને હિસારમાંથી સંસદમાં જવાની તક આપી હતી, એમ બ્રિજેન્દ્ર સિંહે પોતાની પોસ્ટમાં
જણાવ્યું હતું. સિનિયર કૉંગ્રેસી નેતાઓ અજય માકન, મુકુલ વાસનિક અને દીપક બાબરિયાની હાજરીમાં બ્રિજેન્દ્ર સિંહે કૉંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો.
કૉંગ્રેસના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારી અમલદારમાંથી રાજકારણી બનેલા બ્રિજેન્દ્ર સિંહ હિસારની બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર બને એવી શક્યતા છે.
2019ની ચૂંટણીમાં બ્રિજેન્દ્ર સિંહે જેજેપીના દુષ્યંત ચૌટાલા અને કૉંગ્રેસના ઉમેદવાર ભવ્ય બિશ્નોઈને પછાડીને હિસારની બેઠક પરથી વિજય નોંધાવ્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે બ્રિજેન્દ્ર સિંહ જાણીતા જાટ નેતા છોટુ રામના પૌત્ર છે. (પીટીઆઈ)