રાયબરેલી બેઠક પર પુરૂ થશે ભાજપનું સપનું? કોંગ્રેસની પરંપરાગત બેઠકો પરનો સર્વે શું કહે છે?
રાયબરેલી: આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. આ દરમિયાન અમુક ખાનગી મીડિયા સંસ્થાએ ઉત્તરપ્રદેશમાં પરંપરાગત અને VVIP ગણાતી 50 બેઠકોનો સર્વે કર્યો છે. જેમાં સોનિયા ગાંધીની રાયબરેલી બેઠક અંગે પણ એક મહત્વપૂર્ણ તારણ સામે આવ્યું છે.
આ સર્વેમાં સામે આવ્યું છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં પણ રાયબરેલી સીટ પર કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની સ્થિતિ અકબંધ રહેશે અને તેઓ જંગી માર્જિનથી ચૂંટણી જીતશે. આ ઉપરાંત, ભાજપ યુપીમાં મિશન 80ના લક્ષ્યને અનુસરી રહ્યું છે અને તેનો દાવો છે કે તે રાયબરેલી બેઠક પર પણ ઝંડો ફરકાવશે.
આ સિવાય સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે ડિમ્પલ યાદવ મૈનપુરીથી મોટા માર્જિનથી આગળ છે. જ્યારે હેમા માલિની મથુરા બેઠકથી ઓછા માર્જીનથી આગળ રહી શકે છે. અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઈરાની મોટા માર્જિનથી આગળ રહી શકે છે. આ સિવાય લખીમપુર બેઠક પરથી અજય મિશ્રા ટેની ઓછા માર્જીનથી આગળ રહે તેવી શક્યતા છે.
અમુક સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ 2024ની લોકસભા ચૂંટણીમાં મોટી જીત નોંધાવવાનું લક્ષ્ય લઈને ચાલી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના પ્રમુખ નેતાઓ સાથે વોટ શેર 10 ટકા વધારવાની દિશામાં કામ કરવા માટે કહ્યું છે. 2019ની ચૂંટણીમાં ભાજપને 37 ટકાથી વધુ અને તેના નેતૃત્વવાળા NDAને અંદાજિત 45 ટકા વોટ મળ્યા હતા.
આ ઉપરાંત ગત શનિવારે (23 ડિસેમ્બર)એ પાર્ટીની બે દિવસીય મંથન બેઠકનું સમાપન હતું, જેમાં પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાષ્ટ્રીય પદાધિકારીઓ અને પ્રદેશ અધ્યક્ષોને કહ્યું હતું કે, ભાજપનું એવું પ્રદર્શન હોવું જોઈએ કે, વિપક્ષ સ્તબ્ધ થઈ જાય. બીજી તરફ લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી કોંગ્રેસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પણ શનિવારે 12 મહાસચિવો અને 12 પ્રદેશ પ્રભારીઓની નિમણૂંક કરી હતી.