‘અજેયતાનો ફુગ્ગો ફૂટી ગયો’: લોકસભા ચૂંટણીના પરિણામો પર જાણો વિદેશી પ્રેસે શું કહ્યું….?
ભાજપની આગેવાની હેઠળનું નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) લોકસભા ચૂંટણીમાં સૌથી મોટા ગઠબંધન તરીકે ઉભરી આવ્યું હતું, જેણે બહુમતીનો આંકડો સરળતાથી 272ને પાર કર્યો હતો, તેમ છતાં ભગવા પક્ષ પોતાના દમ પર 370 બેઠકો જીતવાના લક્ષ્યાંકથી ઉણો ઉતર્યો છે. જોકે, ભાજપે તેની 2019ની સંખ્યામાંથી 63 બેઠકો ગુમાવી છે, 2014માં ભાજપે 282 સીટ જીતી હતી, જ્યારે કોંગ્રેસે 2014 અને 2019ની સરખામણીએ અનુક્રમે 55 અને 47 વધુ બેઠકો જીતી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, જોકે, દેશના વડા પ્રધાન કાર્યાલયમાં પદની હેટ્રિક હાંસલ કરે તેવી શક્યતા છે.
આંતરરાષ્ટ્રીય મીડિયાની નજર પણ ભારતના ચૂંટણી પરિણામો પર હતી. હવે જ્યારે ચૂંટણી પરિણામો આવી ગયા છે અને ભાજપને ખંડિત જનાદેશ મળ્યો છે, ત્યારે આપણે જાણીએ કે વિદેશી મીડિયાએ શુ પ્રતિક્રિયા આપી છે.
વોશિંગ્ટન પોસ્ટે લખ્યું હતું કે લોકસભાની ચૂંટણીના પરિણામો “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અણધાર્યો અસ્વીકાર” છે, જેનો તેમની હિંદુ રાષ્ટ્રવાદી પાર્ટીને ટેકો મળ્યો હતો. ચૂંટણી પરિણામોએ દાયકાઓમાં સૌથી વધુ પ્રભાવશાળી ભારતીય રાજકારણી (પીએમ મોદી)ની આસપાસનો અજેયતાની હવાને વેંધી નાખી છે. મોદીની છબીને ભારે નુક્સાન પહોંચ્યું છે.”
ન્યૂયોર્ક ટાઈમ્સે જણાવ્યું છે કે “નરેન્દ્ર મોદીની આસપાસની અજેયતાની આભા વિખેરાઈ ગઈ છે….મોદીની ભારતીય જનતા પાર્ટીએ અયોધ્યામાં તેની સંસદીય બેઠક ગુમાવી દીધી છે. ઉત્તર પ્રદેશમાં ભાજપને ભારે ચૂંટણી આંચકો લાગ્યો છે.
પાકિસ્તાની અખબાર ‘ડોન’ની વેબસાઈટ પર ભારતીય ચૂંટણીને મસમોટુ કવરેજ આપવામાં આવ્યું છે. તેના એક લેખમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ચૂંટણીમાં પીએમ મોદીનું ગઠબંધન આશ્ચર્યજનક રીતે ઓછા માર્જિનથી જીત્યું છે. મતદારોએ ભાજપને સજા કરી છે. મોદીની હિંદુ રાષ્ટ્રવાદીઓની ત્રીજી જીત ભારતના મુસ્લિમોમાં ફરી ભય વધારશે.
અલ જઝીરાએ લખ્યું હતું કે, ”હવે સંસદમાં પડકારો આવશે. એવા બિલો હશે જે પસાર કરવા પડશે, અને તેમાં મોટી માત્રામાં સમાધાન કરવું પડશે.”
ફાઇનાન્શિયલ ટાઇમ્સે લખ્યું હતું કે, ” ચૂંટણીના પરિણામો ગઠબંધન રાજકારણમાં પાછા લઇ આવશે. ઘણા ભારતીયોએ મોદીના કાર્યકાળના દાયકાના લોકમત તરીકે જોવામાં આવતી ચૂંટણીમાં સ્પષ્ટ વિજયની અપેક્ષા રાખી હતી અને આ મોટાભાગે તેમના વ્યક્તિત્વ પર કેન્દ્રિત ઝુંબેશ હતી.”
BBCએ લખ્યું હતું કે, ” ભાજપના સમર્થકો દાવો કરે છે કે પીએમ મોદી એક મજબૂત, કાર્યક્ષમ નેતા છે જેમણે વચનો પૂરા કર્યા છે, પણ તેમના ટીકાકારો આક્ષેપ કરે છે કે તેમની સરકારે સંઘીય સંસ્થાઓને નબળી બનાવી છે, પ્રેસની સ્વતંત્રતા પર તરાપ મારી છે અને તેમના શાસનમાં ભારતની મુસ્લિમ લઘુમતી ખતરો અનુભવે છે.”
ચીનના ‘ગ્લોબલ ટાઈમ્સ’એ કહ્યું કે મોદીનું ગઠબંધન મામૂલી માર્જિનથી જીત્યું છે. હવે તેમના ત્રીજા કાર્યકાળમાં આર્થિક સુધારા મુશ્કેલ મિશન બની જશે. હવે મોદીની ચાઈનીઝ મેન્યુફેક્ચરિંગ સાથે સ્પર્ધા કરવાની અને ભારતના બિઝનેસ વાતાવરણને સુધારવાની મહત્વાકાંક્ષા પૂરી કરવી મુશ્કેલ બનશે.”