દિલ્હી સરકારને ઉથલાવવાનું ભાજપનું કાવતરું: કેજરીવાલ
પક્ષ છોડવા ‘આપ’ના સાત વિધાનસભ્યને ૨૫-૨૫ કરોડની ઑફર
નવી દિલ્હી: દિલ્હી સરકારને ઉથલાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હોવાનું જણાવતાં મુખ્ય પ્રધાન કેજરીવાલે દાવો કર્યો હતો કે પક્ષ છોડવા ‘આપ’ના સાત વિધાનસભ્ય (પ્રત્યેક)ને
પચીસ કરોડ રૂપિયાની ઑફર આપવામાં આવી છે.
જોકે દિલ્હી ભાજપે કેજરીવાલના આ આક્ષેપોને બકવાસ લેખાવી વખોડી કાઢ્યા હતા અને જે વિધાનસભ્યોને પક્ષ છોડવા પચીસ કરોડ રૂપિયાની ઑફર આપવામાં આવી હતી તેમના નામ જાહેર કરવાનો તેમ જ આ પ્રસ્તાવ સાથે કોણે તેમનો સંપર્ક કર્યો હતો તેનું પણ નામ જણાવવાનો પડકાર ફેંક્યો હતો.
દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલે સોશિયલ મીડિયા પર મૂકેલી પૉસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે પક્ષ છોડવા રૂપિયાની ઑફર સાથે અમારા પક્ષના સાત વિધાનસભ્યનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને પક્ષના સંયોજકની જલદી જ ધરપકડ કરવામાં આવશે એવી ચેતવણી પણ આપી હતી. કેજરીવાલના જણાવ્યા અનુસાર ફોન પર સંપર્ક કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે તે ‘આપ’ના ૨૧ વિધાનસભ્ય સાથે સંપર્કમાં છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે દિલ્હી સરકારને ઉથલાવ્યા બાદ પ્રત્યેક વિધાનસભ્યને ચૂંટણી લડવા ટિકિટ અને પચીસ કરોડ રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું છે.
જોકે સાતેસાત વિધાનસભ્યએ આ પ્રસ્તાવ નકારી કાઢ્યો હોવાનું કેજરીવાલે કહ્યું હતું.
દિલ્હીની ‘આપ’ સરકારને ઉથલાવવા કથિત લિકર કૌભાંડને મામલે મારી ધરપકડ કરાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.
દિલ્હીની ‘આપ’ સરકારને ઉથલાવવા છેલ્લાં નવ વર્ષમાં અનેક પ્રયાસ કરવામાં આવ્યા છે, પરંતુ તે તમામ નિષ્ફળ રહ્યા હોવાનું કેજરીવાલે કહ્યું હતું.
પત્રકાર પરિષદને આપેલી મુલાકાતમાં દિલ્હીના પ્રધાન આતીશીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપે દિલ્હીમાં ‘ઑપરેશન લોટસ ૨.૦’ શરૂ કર્યું છે.
ગયા વરસે પણ ભાજપે આ જ પ્રકારનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.
આક્ષેપોને નકારી કાઢતા દિલ્હી ભાજપના સેક્રેટરી હરીશ ખુરાનાએ દિલ્હીના પ્રધાન આતીશીને એ તમામ વિધાનસભ્યોના તેમ જ ઑફર સાથે તેમનો સંપર્ક કરનારના નામ જાહેર કરવાનો પડકાર ફેંક્યો હતો.
ખુરાનાએ આક્ષેપ કર્યો હતો કે લિકર કૌભાંડને મામલે પૂછપરછ કરવા ઈડી દ્વારા મોકલવામાં આવેલા સમન્સને દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ ટાળી રહ્યા હોવાની વાત પરથી લોકોનું ધ્યાન અન્યત્ર વાળવા ‘આપ’ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. (એજન્સી)