નેશનલ

રાહુલ સામે ચૂંટણી પંચ સમક્ષ ભાજપની ફરિયાદ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સામે પગલાં ભરવાની ચૂંટણીપંચ સમક્ષ માગણી કરી હતી. ભાજપના એક પ્રતિનિધિમંડળે બુધવારે ચૂંટણીપંચને પત્ર લખી ખડગે અને રાહુલ ગાંધી સામે યોગ્ય કાયદાકીય પગલાં ભરવાની અને તેમની સામે પ્રતિબંધક આદેશ પસાર કરવાની માગણી કરી હતી. રાજસ્થાનમાં એક ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ મોદી માટે ‘પનૌતી’ શબ્દ વાપર્યો હતો. ભાજપના મહામંત્રી રાધા મોહન દાસ અગ્રવાલે રાહુલ ગાંધીને ‘બુદ્ધિહીન અને મૂલ્યહીન’ કહ્યું હતું. ભાજપ પ્રતિનિધિમંડળે ચૂંટણીપંચને મોકલેલા પત્રમાં કહ્યું કે “ખડગે અને રાહુલ ગાંધી સામે કાયદાકીય પગલાં ભરવા માટે ચૂંટણી પંચે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ તેવી અમારી વિનંતી છે.

મોદીની જ્ઞાતિ ગુજરાતમાં ઓબીસી યાદીમાં રાજ્યના મુખ્ય પ્રધાન મોદી હતા ત્યારે ઉમેરવામાં આવી હતી તેવો આક્ષેપ ખડગેએ કર્યો હતો. આથી આવા જુઠ્ઠાણાં બદલ ખડગે સામે ચૂંટણીપંચે પગલાં ભરવા જોઈએ તેવી માગ ભાજપે કરી હતી. મોદીની જ્ઞાતિ ઘાંચીનો સમાવેશ ગુજરાતમાં ઓબીસીની યાદીમાં ૧૯૯૯માં થયો હતો, જ્યારે મોદી વર્ષ ૨૦૦૧માં મુખ્ય પ્રધાન બન્યા હતા.

દરમિયાન રાજસ્થાનના અખબારોમાં ચૂંટણી અહેવાલ તરીકે અખબારી જાહેરાત છાપવામાં આવી હતી તે બદલ ચૂંટણીપંચે બુધવારે કૉંગ્રેસના રાજસ્થાનના એકમને નોટિસ આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button