ભાજપનો 400 પાર દાવો બકવાસ, 200 બેઠક પણ નહીં મળે: મલ્લિકાર્જુન ખડગે
ચંદીગઢ: કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપના 400 પારના દાવાને બકવાસ ગણાવતાં કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટી 200 બેઠકો પણ જીતી શકશે નહીં.
અમૃતસરમાં પત્રકારોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ભાજપની બેઠકો ગયા વખત કરતાં ઘણી ઓછી થઈ રહી છે અને કૉંગ્રેસ તેમ જ ઈન્ડી ગઠબંધનને ઘણો લાભ થઈ રહ્યો છે. એનડીએ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકસભાની ચૂંટણીમાં તેઓ 400થી વધુ બેઠકો જીતશે. આ બાબતે ખડગેએ ભાજપના આવા દાવા પાછળનો આધાર શું છે એવો સવાલ કર્યો હતો.
ખડગેએ કહ્યું હતું કે ભાજપનું તામિલનાડુ, કેરળ અને તેલંગણામાં અસ્તિત્વ જ નથી અને કર્ણાટકમાં તેમની પાર્ટી મજબૂત નથી.
મહારાષ્ટ્રમાં તમે નબળા છો. જ્યારે પશ્ર્ચિમ બંગાળ અને ઓડિશામાં તીવ્ર સંઘર્ષના એંધાણ છે. તો પછી ક્યાંથી 400 બેઠકો આવવાની છે? એવો સવાલ તેમણે કર્યો હતો.
ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ચોથી જૂન બાદ લોકસભાની ચૂંટણીમાં પરાજયને પગલે મલ્લિકાર્જુન ખડગે પોતાનું પદ ગુમાવશે એનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે હું રાજકારણમાં પદ માટે આવ્યો નહોતો. હું રાજકારણમાં બાળપણથી લોકોની સેવા કરવા માટે આવ્યો હતો. મોદીની જેટલી ઉંમર છે લગભગ એટલા જ વર્ષથી હું રાજકારણમાં છું. તેમણે ચોથી જૂન બાદ પોતાના પદ માટે વિચારવાની આવશ્યકતા છે.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે લોકસભામાં ખેડૂતોની લોન માફી, પાકને માટે લઘુતમ ટેકાના ભાવની કાનૂની ગેરેન્ટી જેવા વાયદાનો પુનરોચ્ચાર કર્યો હતો અને ભાજપના નેતૃત્વ હેઠળની સરકારને બેરોજગારી અને અગ્નિપથ યોજના અંગે સવાલ કર્યા હતા. (પીટીઆઈ)