નેશનલ

AIADMK સાથે સંબંધો તોડવામાં ભાજપને દેખાઇ રહ્યો છે મોટો ફાયદો

નવી દિલ્હી. 2024 ની લોકસભા ચૂંટણી પહેલા, AIADMK એ સોમવારે ભાજપ સાથેનું જોડાણ તોડી નાખ્યું હતું અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માંથી બહાર નીકળી ગયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દક્ષિણ પ્રાદેશિક પક્ષ ઈચ્છે છે કે ભાજપ તેના તમિલનાડુ એકમના અધ્યક્ષ કે. અન્નામલાઈને તેમના પદ પરથી હટાવે અથવા તેમને લગામમાં રાખે. જો કે, ભગવા પાર્ટીએ આનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો, ત્યારબાદ AIADMKએ NDA સાથે સંબંધો તોડવાની જાહેરાત કરી હતી.

બીજેપીના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘પાર્ટી અન્નામલાઈના સમર્થનમાં છે, જે સમગ્ર તમિલનાડુમાં સફળ ‘એન મન, એન મક્કલ’ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે અને પાર્ટી માટે મજબૂત સમર્થન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.’ ભાજપના નેતાઓને આ બાબતે સત્તાવાર રીતે બોલવાની સલાહ આપવામાં આવી નથી, પરંતુ ઓછામાં ઓછા બે ભાજપના નેતાઓએ કહ્યું કે આ અલગ થવામાં ‘આશાનું કિરણ’ છે.


સમાચાર એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોમાં, AIADMK એ BJP અને NDA સાથેનું ગઠબંધન તોડવાની જાહેરાત કર્યા પછી મદુરાઈમાં ભાજપના કાર્યકરો ફટાકડા ફોડતા જોવા મળ્યા હતા. તેમનુ માનવું છે કે AIADMK સાથે છેડો ફાટ્યા બાદ તેમને હવે મોકળુ મેદાન મળશે અને તેઓ તમિલનાડુમાં પગ જમાવવામાં સફળ થશે. હાલમાં જ દક્ષિણના સુપર સ્ટાર રજનીકાંત યુપીમાં યોગી આદિત્યનાથને મળ્યા હતા અને તેમના ચરણ સ્પર્શ કર્યા હતા. તેથી એમ માનવામાં આવે છે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં સુપરસ્ટારના કરિશ્માનો પણ ફાયદો પણ ભાજપને મળશે. બિન સત્તાવાર સૂત્રો દ્વારા એમ પણ જાણવા મળ્યું છે કે પીએમ મોદીનો કરિશ્મા દેશભરમાં છે.


તેનો ફાયદો ઉઠાવવા માટે પીએમ મોદી આ વખતે તામિલનાડુના કોઇ મતદાર ક્ષેત્રમાંથી 2024ની લોકસભાની ચૂંટણી લડશે. હાલમાં તામિલનાડુના કેટલાક તટવર્તીય ગામોને પીએમ મોદીની સીધી દેખરેખ હેઠળ લાવવામાં આવ્યા છે, જ્યાં સ્થાનિક લોકોના ઉત્કર્ષ માટે અનેક યોજનાઓ લાગુ કરવામાં આવી છે. AIADMK સાથે સંબંધો તોડવામાં ભાજપને ફાયદો દેખાઇ રહ્યો છે. ભાજપને હવે તમિલનાડુમાં પોતાનો પગ જમાવવાની અને 2024ની લોકસભા ચૂંટણી માટે નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કરવાની તક મળી છે.

‘સનાતન ધર્મ’ વિવાદે ડીએમકેને બીજેપી વિરુદ્ધ ઉભી કરી દીધી છે. ભાજપના નેતાઓએ એ હકીકત પર પણ ધ્યાન દોર્યું હતું કે DMK નેતા ઉધયનિધિ સ્ટાલિનની ‘સનાતન ધર્મ’ પરની વિવાદાસ્પદ ટીપ્પણીઓ મુદ્દે થયેલા વિવાદ પર AIADMK ભાજપના સમર્થનમાં બહાર આવ્યું ન હતું.


ભાજપના સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે AIADMKના પગલાનો ઉદ્દેશ્ય તમિલનાડુમાં લઘુમતી મતોને આકર્ષવાનો હતો. હવે તામિલનાડુમાં લોકસભાની ચૂંટણીમાં ક્ષણ મોરચા જોવા મળશે. DMK, AIADMK અને BJP. જોકે, બીજેપીના અન્ય એક સૂત્રએ કહ્યું હતું કે, ‘અમે હજુ પણ આશા રાખીએ છીએ કે AIADMK પુનર્વિચાર કરશે અને જોડાણમાં રહેશે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button