આ રાજ્યમાં ચૂંટણી લડ્યા વિના જ ભાજપ જીતી ગયું, વિપક્ષ થયો બેહાલ

ત્રિપુરામાં સત્તાધારી પક્ષ ભાજપે ત્રિ-સ્તરીય પંચાયતની ચૂંટણી લડ્યા વિના જ જીતી લીધી છે. મંગળવારે ચૂંટણી અધિકારીએ માહિતી આપી હતી કે રાજ્યની 71 ટકા બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યા છે. પંચાયત તંત્રમાં કુલ 6889 બેઠકો છે જેમાં ગ્રામ પંચાયત, પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદનો સમાવેશ થાય છે અને ભાજપે 4805 બેઠકો બિનહરીફ જીતી લીધી છે. 8 ઓગસ્ટે મતદાન થવાનું છે.
ત્રિપુરામાં, રાજ્ય ચૂંટણી પંચના સચિવ અસિત કુમાર દાસે જણાવ્યું હતું કે ભાજપે ગ્રામ પંચાયતોની કુલ 6,370 બેઠકોમાંથી 4,550 બિનહરીફ જીતી છે. જેના કારણે 71 ટકા બેઠકો પર મતદાન થશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 1,819 ગ્રામ પંચાયત બેઠકો પર મતદાન થશે, જેમાં ભાજપે 1,809 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે CPI(M) એ 1,222 બેઠકો પર અને કોંગ્રેસે 731 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. ભાજપના સહયોગી ટીપરા મોથાએ 138 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.
કુમારે દાસે જણાવ્યું હતું કે પશ્ચિમ ત્રિપુરા જિલ્લામાં મહેશખાલા પંચાયતની એક બેઠક પર ચૂંટણી યોજાશે નહીં. આ બેઠક પરથી ભાજપના ઉમેદવારનું અવસાન થયું હતું. દાસે કહ્યું હતું કે, “પંચાયત સમિતિઓમાં, ભાજપે કુલ 423 બેઠકોમાંથી 235 બેઠકો બિનહરીફ જીતી છે, જે કુલ બેઠકોના 55 ટકા છે. હવે 188 બેઠકો માટે મતદાન થશે. ભાજપે 116 જિલ્લા પરિષદની બેઠકોમાંથી 20 બિનહરીફ જીતી છે, જે કુલ બેઠકોના લગભગ 17 ટકા છે.
નોંધનીય છે કે નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 જુલાઈ હતી. 8 ઓગસ્ટે મતદાન થવાનું છે. મતગણતરી 12 ઓગસ્ટે થશે. છેલ્લી ચૂંટણીઓમાં, ભાજપે ત્રિ-સ્તરીય પંચાયત વ્યવસ્થામાં 96 ટકા બેઠકો પર બિનહરીફ જીત મેળવી હતી.