રાજ્યસભાની પેટાચૂંટણીમાં મતદાન પહેલાં જ ભાજપનું ખાતું ખૂલ્યું, રવનીત સિંહ બિટ્ટુ, ઉપેન્દ્ર કુશવાહા અને મનન મિશ્રા બિનહરીફ ચૂંટાયા
આસામ, બિહાર અને મહારાષ્ટ્રમાં બે-બે બેઠકો અને હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, તેલંગણા અને ઓડિશામાં એક-એક બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે.

નવી દિલ્હી/પટના: 9 રાજ્યોની 12 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી પહેલા જ ભાજપના 3 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેમાં રાજસ્થાનથી રવનીત સિંહ બિટ્ટુ, બિહારથી ઉપેન્દ્ર કુશવાહા અને મનન કુમાર મિશ્રાનો સમાવેશ થાય છે. ત્રણેય ઉમેદવારોને જીતના પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. બિહારમાં જીત મેળવ્યા બાદ બંને ઉમેદવારોએ મુખ્ય પ્રધાન નીતિશ કુમારની મુલાકાત લીધી હતી. વાસ્તવમાં આસામ, બિહાર અને મહારાષ્ટ્રમાં બે-બે બેઠકો અને હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, તેલંગણા અને ઓડિશાની એક-એક બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે.
રાજ્યસભાની પેટાચૂંટણી અને તેના મુખ્ય ઉમેદવારો:
આસામમાં પ્રસાદ તાશા અને સર્વાનંદ સોનોવાલ, બિહારમાં મિસા ભારતી અને વિવેક ઠાકુર, હરિયાણાના દીપેન્દ્ર હુડા, મધ્ય પ્રદેશમાંથી જ્યોતિરાદિત્ય સિંધિયા, મહારાષ્ટ્રમાંથી છત્રપતિ ઉદયન રાજે ભોસલે, પીયુષ વેદપ્રકાશ ગોયલ, રાજસ્થાનમાંથી કે. સી. વેણુગોપાલ અને ત્રિપુરામાંથી વિપ્લવ દેવ લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેલંગણાના કેશવ રાવ તેમ જ ઓડિશાના મમતા મોહંતાના રાજીનામાથી રાજ્યસભાની બેઠકો ખાલી પડી છે. નવી ચૂંટણી પછી ચૂંટાયેલા સભ્યોનો કાર્યકાળ આ સભ્યોની બાકીની મુદત જેટલો રહેશે. આ કાર્યકાળ આગામી વર્ષ એટલે કે 2025 થી 2028 સુધી છે.
આ પણ વાંચો: રાજ્યસભા પેટાચૂંટણી: ભાજપના ઉમેદવાર તરીકે મમતા મોહંતાએ ઉમેદવારીપત્ર ભર્યું
ચૂંટણી પંચે આ મહિને રાજ્યસભાની પેટાચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 21મી ઓગષ્ટ અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ હતી. 3 સપ્ટેમ્બરે સંબંધિત રાજ્યોની વિધાનસભાઓમાં સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. એ જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને રાત સુધીમાં પરિણામ જાહેર થઈ જશે.
વિજયી ઉમેદવાર કોણ છે?
રવનીત સિંહ બિટ્ટુ: લોકસભાની ચૂંટણીમાં લુધિયાણાની બેઠક પરથી પરાજિત થયેલા રવનીત સિંહ બિટ્ટુ મોદીની કેબિનેટમાં પ્રધાન છે. ત્રણ વખત કૉંગ્રેસ વતી સંસદસભ્ય રહી ચૂકેલા રવનીત સિંહ બિટ્ટુ પહેલીવાર 2009માં આનંદપુર સાહિબ મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા હતા. 2014 અને 2019માં તેઓ લુધીયાણાની બેઠક પરથી જીત્યા હતા. બિટ્ટુ માત્ર 11 વર્ષના હતા જ્યારે તેમના પિતાનું અવસાન થયું હતું અને 20 વર્ષની ઉંમરે 31 ઓગસ્ટ 1995ના રોજ ચંદીગઢમાં તેમના દાદા અને પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રઝાન બિઅંત સિંહની ખાલિસ્તાનવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. બિટ્ટુ 2007માં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા બાદ રાજકારણમાં આવ્યા હતા. તે પહેલા બિટ્ટુ એક નાની સિમેન્ટ પ્રોડક્શન યુનિટ ચલાવતા હતા. બિટ્ટુને 2008માં માત્ર 33 વર્ષની ઉંમરે પંજાબ યુથ કોંગ્રેસના અધ્યક્ષ નિયુક્ત બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ભાજપને ઉત્તર પ્રદેશમાં બધી જ પેટાચૂંટણી જીતવાનો વિશ્વાસ: રાજકીય નિષ્ણાતોને અવિશ્વાસ
ઉપેન્દ્ર કુશવાહા: તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ઉપેન્દ્ર કુશવાહાને બિહારની કારાકાટ સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે એનડીએમાંથી કારાકાટ મતવિસ્તારમાંથી આરએલએમની ટિકિટ પર ચૂંટણી લડી હતી. કુશવાહા બિહારના મોટા નેતા છે. તેઓ બિહાર વિધાન પરિષદ અને વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ લોકસભા અને રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ કેન્દ્રમાં પ્રધાન પણ રહી ચૂક્યા છે. ઉપેન્દ્ર કુશવાહાએ 1985માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 1985 થી 1988 સુધી, તેઓ યુવા લોકદળના પ્રદેશ મહાસચિવ હતા અને 1988 થી 1993 સુધી તેઓ રાષ્ટ્રીય મહાસચિવ રહ્યા હતા.
મનન કુમાર મિશ્રા: બિહારના ગોપાલગંજ જિલ્લાના કુચાયકોટ બ્લોકના તિવારી ખરૈયા ગામના મૂળ રહેવાસી મનન કુમાર મિશ્રા એપ્રિલ 2012 થી સતત બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની ચૂંટણી જીતી રહ્યા છે. ભાજપે સાત વખત બીસીઆઈના અધ્યક્ષ બનેલા મનન કુમાર મિશ્રાને બિહારથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લીધો હતો છે. મિશ્રા સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે.