દક્ષિણ ભારતમાં ભાજપ સારો દેખાવ કરશે, એનડીએ 400 પાર જશે: મોદી
ભૂવનેશ્ર્વર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવો દાવો કર્યો હતો કે ચોથી જૂને એનડીએ 400 પાર હશે અને ભાજપ દક્ષિણ ભારતમાં સૌથી મોટો પક્ષ હશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભાજપ ચૂંટણી ઢંઢેરામાં આપેલા યુસીસી અને અન્ય વચનો પૂરા કરવા કટિબદ્ધ છે. ઈરાનના ચાબહાર બંદરના કરારને સીમાચિહ્નરૂપ ગણાવતાં કાશ્મીરના રાજ્યના દરજ્જો, પાકિસ્તાન સાથેના સંબંધો, બેરોજગારી નિવારણના મુદ્દે સરકારનું કામ, બંધારણનું મહત્ત્વ, લઘુમતીઓ અંગેના નિવેદનો વગેરે પર એક વિશેષ ઈન્ટરવ્યૂમાં વિસ્તૃત ચર્ચા કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું છે કે ભાજપ દક્ષિણ ભારતમાં સૌથી મોટો પક્ષ બની રહેશે. તેમણે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકસભાની ચૂંટણીના ચોથી જૂને પરિણામો આવશે ત્યારે એનડીએ 400ની પાર હશે.
અમારી વ્યૂહરચના આખા દેશ માટે એક જ છે. ફિર એક બાર મોદી સરકાર, ઔર ચાર જૂન કો 400 પાર, એમ મોદીએ કહ્યું હતું.
વિરોધીઓ એવી ભ્રમણા ફેલાવે છે કે ભાજપ દક્ષિણ ભારતમાં કોઈ તાકાત ધરાવતી નથી, પરંતુ 2019ની ચૂંટણીના પરિણામો જોઈ લો. ત્યારે પણ ભાજપ દક્ષિણ ભારતમાં સૌથી મોટો પક્ષ હતો. આ વખતે પણ હું કહું છું કે દક્ષિણ ભારતમાં સૌથી મોટી પાર્ટી ભાજપ હશે. ગયા વખતની બેઠકોની સંખ્યામાં આ વખતે વધારો થશે. દક્ષિણ ભારતમાં લોકસભાની 543માંથી 131 બેઠક છે, જેમાં ભાજપ પાસે 29 છે અને એક અપક્ષ તેમને સમર્થન આપી રહ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણને પોતાની પ્રગતિ માટે શ્રેય આપતાં બંધારણને બદલવાની વિપક્ષની વાતોને રદિયો આપ્યો હતો. 400થી વધુ બેઠકો મળે તોે બંધારણને બદલવાની વાત છે તે સાવ ખોટી છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતી અને ઓબીસી સમાજના લોકોને સૌથી વધુ પ્રતિનિધિત્વ સરકારમાં આવ્યું હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું મુસ્લિમોને આરક્ષણ આપવાની જે વાત છે તે ખોટી છે. ધર્મને આધારે આરક્ષણ આપી શકાય નહીં. વાસ્તવમાં તો કૉંગ્રેસે અનેક રાજ્યોમાં આરક્ષણને ઘટાડી નાખ્યું છે.
તેમણે એવો દાવો કર્યો હતો કે તેઓ ક્યારેય લઘુમતીઓ સામે એકેય શબ્દ બોલ્યા નથી કે પછી તેમની સામે દ્વેષભાવનાથી કોઈ કાર્યવાહી કરી છે. સાથે તેમણે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે મુસ્લિમોને વિશેષ નાગરિકત્વ આપવાના વિરોધમાં છું.
બેરોજગારીના મુદ્દે તેમણે કહ્યું હતું કે તેમની સરકારનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે દેશમાં રોજગારીની તકો વધી છે અને દેશમાં નવા ક્ષેત્રો જેમ કે સ્પેસ, સેમી ક્ધડક્ટર ઉત્પાદન, ઈવી (ઈલેક્ટ્રિક વેહિકલ), તેમ જ સ્ટાર્ટઅપ્સને સહાયતા, માળખાકીય સુવિધા પર નોંધપાત્ર ખર્ચ અને પીએલઆઈ (પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ) યોજનાને કારણે દેશમાં રોજગારીની વિપુલ તકો નિર્માણ થઈ છે. આ ઉપરાંત સરકારી ક્ષેત્રમાં લાખો લોકોને રોજગારી આપવામાં આવી છે. સરકારે ખાનગી ક્ષેત્ર માટે પણ સાનુકૂળ વાતાવરણ તૈયાર કર્યું હોવાથી ત્યાં પણ ભારે રોજગારી જોવા મળી રહી છે, એમ તેમણે કહ્યું હતું.
જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે કટિબદ્ધ હોવાનું કહેતાં તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર યોગ્ય વાતાવરણ તૈયાર કરવા મહેનત કરી રહી છે. કાશ્મીરમાં અત્યાર સુધીનું દાયકાઓનું સૌથી વધુ મતદાન થયું તેનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં લોકશાહીના વિકાસ માટેના એનડીએના પ્રયાસો લોકોએ જોયા છે.
ઈરાનના ચાબહાર બંદરના ઉપયોગ અંગે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા કરારને સીમાસિહ્નરૂપ ગણાવતાં તેમણે કહ્યું હતું કે ભારત અફઘાનિસ્તાન એ મધ્ય એશિયાના ક્ષેત્રો સાથે કનેક્ટિવીટી મળશે અને વ્યાપાર ધંધામાં લાભદાયક સિદ્ધ થશે. ફક્ત ચાબહાર બંદર જ નહીં, ઈન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર અને ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોરનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે વ્યાપાર માટે લાભદાયક રહેશે.
યુસીસી, વન નેશન-વન ઈલેક્શન જેવા મુદ્દે તેમણે કહ્યું હતું કે આ મુદ્દાઓ ભાજપના મેનિફેસ્ટોનો ભાગ છે અને એક વાત તમારે માન્ય કરવી પડશે કે ભાજપ ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવેલા વાયદા પૂરા કરે છે. આગામી 100 દિવસ માટે કામ કરવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે.
પાકિસ્તાન સાથેના સંબંધોમાં કૉંગ્રેસે ભારતીય હિતોને નુકસાન પહોંચાડ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસ દ્વારા જે રીતે પાકિસ્તાનની તરફેણ કરી છે તેને કારણે રાષ્ટ્રના હિતો જોખમાયા છે. સર્જિકલ સ્ટ્રાઈક અંગે કૉંગ્રેસ દ્વારા કરવામાં આવેલા સવાલની તેમણે ઝાટકણી કાઢી હતી. પાકિસ્તાન શહેજાદાના વીડિયો દેખાડીને પોતાની વાતો રજૂ કરે છે.