ભાજપ રાષ્ટ્રવ્યાપી સંગઠનાત્મક ફેરફાર કરશે

નવી દિલ્હી: ભાજપ દ્વારા નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયાની શરૂઆત પહેલાં પાર્ટીના સભ્યપદ માટેની નવી ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવશે તેમ જ સંગઠનમાં મોટા ફેરફારો કરવામાં આવશે.
વર્તમાન પ્રમુખ જેપી નડ્ડાનો વિસ્તૃત કાર્યકાળ 30 જૂને પૂરો થાય છે, તેમ છતાં ભાજપના બંધારણમાં તાજેતરના સુધારાએ તેની સર્વોચ્ચ સંસ્થા સંસદીય સમિતિને કટોકટીની પરિસ્થિતિઓમાં તેમના કાર્યકાળ સહિત પ્રમુખ સંબંધિત નિર્ણય લેવા માટેની સત્તા આપી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટીનું સંસદીય બોર્ડ નડ્ડાનો કાર્યકાળ તેમના અનુગામીની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી લંબાવી શકે છે. જોકે પાર્ટીના ટોચના અધિકારીઓ તેમના સ્થાને કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરવાની સત્તા પણ ધરાવે છે.
કેન્દ્રીય કેબિનેટમાં આરોગ્ય અને રસાયણ અને ખાતર પ્રધાન તરીકે નડ્ડાનો સમાવેશ થતાં તેમનો વિકલ્પ શોધવાનું આવશ્યક બન્યું છે.
2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપના અધ્યક્ષ અમિત શાહ સરકારમાં ગયા ત્યારે જાન્યુઆરી 2020માં પૂર્ણ-પ્રમુખ તરીકે ચૂંટાયા તે પહેલાં નડ્ડાને પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ દાખલો કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરવાની શક્યતા દર્શાવે છે, જેથી આગામી સભ્યપદ અભિયાન અને તેના સંગઠનાત્મક એકમોમાં ચૂંટણીઓનું સંચાલન કરવા માટે પૂર્ણ-સમયના નેતાની જરૂર પડી શકે છે.
હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કાર્યકારી અધ્યક્ષ સંગઠનની કામગીરીને યોગ્ય રીતે સંભાળી શકશે.
અત્યારે પાર્ટીના વૈકલ્પિક પ્રમુખ બનવાની ક્ષમતા ધરાવતા મોટા ભાગના નેતાઓ કેન્દ્ર સરકારનો ભાગ હોવાથી નવા અધ્યક્ષની પસંદગીનો કળશ કોના માથે ઢોળાય છે તે જોવાનું રહેશે. ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દર યાદવ જેવા સંગઠનાત્મક ક્ષમતા ધરાવતા નેતાઓને મોદીએ કેબિનેટમાં જાળવી રાખ્યા હોવાથી હવે એવું માનવામાં આવી રહ્યું છે કે રાજ્ય સ્તરના કોઈ નેતાને કે પછી સામાન્ય સચિવોમાંથી કોઈ એકને ટોચના પદે નિયુક્ત કરવા માટે વિચારણા થઈ શકે છે. (પીટીઆઈ)