નેશનલ

ભાજપ પરણેલી મહિલાઓને વાર્ષિક ₹ ૧૨,૦૦૦ આપશે

છત્તીસગઢના ચૂંટણીઢંઢેરામાં રાંધણગૅસમાં રાહતની જાહેરાત

નવી દિલ્હી: છત્તીસગઢમાં વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના માત્ર ચાર દિવસ અગાઉ ભાજપ દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા ચૂંટણીઢંઢેરામાં પરણેલી મહિલાઓને વાર્ષિક રૂ. ૧૨,૦૦૦, જમીનવિહોણા શ્રમિકોને રૂ. ૧૦,૦૦૦ની આર્થિક સહાય, ચોખાનો પ્રાપ્તિ ભાવ પ્રતિક્વિન્ટલ રૂ. ૩,૧૦૦ અને ગરીબ પરિવારના લોકોને રૂ. ૫૦૦ પ્રતિસિલિન્ડરના ભાવે રાંધણગૅસ આપવા સહિતની ચાવીરૂપ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત છત્તીસગઢમાં ખાલી પડેલી એક લાખ કરતા પણ વધુ નોકરી માટે બે વર્ષમાં ભરતી, રાજ્યના લોકોને અયોધ્યામાં તૈયાર કરવામાં આવેલા રામ મંદિરની મુલાકાતે લઈ જવા જેવા વચનોનો પણ ચૂંટણીઢંઢેરામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

અહીંના રાયપુરસ્થિત ભાજપના રાજ્ય એકમના કાર્યાલય કુશાભાઉ ઠાકરે પરિસર ખાતે યોજવામાં આવેલા સમારોહ દરમિયાન કેન્દ્રના ગૃહ ખાતાના પ્રધાન અમિત શાહે ‘છત્તીસગઢ ૨૦૨૩ માટે મોદીની ગૅરન્ટી’ શીર્ષક ધરાવતો ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો હતો.

ભાજપ માટે ચૂંટણીઢંઢેરો માત્ર ચૂંટણીઢંઢેરો નથી, પરંતુ સંકલ્પ પત્ર છે એમ જણાવતાં અમિત શાહે કહ્યું હતું કે ચૂંટણીઢંઢેરામાં આપેલા વચનનું પાલન કરતા વર્ષ ૨૦૦૦માં અમે છત્તીસગઢ રાજ્યની રચના કરી હતી.

વર્ષ ૨૦૦૩થી ૨૦૧૮ સુધીના ભાજપના ૧૫ વર્ષના શાસનકાળ દરમિયાન છત્તીસગઢને બીમારુ રાજ્યમાંથી સારા રાજ્યમાં પરિવર્તિત કરવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

હવે ભાજપ વતી હું બાંયધરી આપું છું કે આવનારાં પાંચ વર્ષમાં અમારું લક્ષ્ય છત્તીસગઢને વિકસિત રાજ્ય બનાવવાનું હશે.

છત્તીગઢમાં ભાજપ સત્તા પર આવશે તો કૃષિ ઉન્નતિ યોજના શરૂ કરવામાં આવશે જે અંતર્ગત ખેડૂતો પાસેથી રૂ. ૩૧૦૦ પ્રતિ ક્વિન્ટલના ભાવે પ્રતિ એકર ૨૧ ક્વિન્ટલ ચોખા ખરીદવામાં આવશે અને આ રકમની ચુકવણી એકસાથે કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

મહાતરી વંદન યોજના અંતર્ગત અમારી સરકાર પરણેલી મહિલાઓને વાર્ષિક રૂ. ૧૨,૦૦૦ની આર્થિક સહાય પણ આપશે. એ જ પ્રમાણે દીનદયાલ ઉપાધ્યાય કૃષિ મજદૂર યોજના પણ શરૂ કરવામાં આવશે અને એ અંતર્ગત જમીનવિહાણો શ્રમિકોને વાર્ષિક રૂ. ૧૦,૦૦૦ આપવામાં આવશે. ગરીબ ઘરની મહિલાઓને રૂ. ૫૦૦ પ્રતિસિલિન્ડરના ભાવે રાંધણગૅસ આપવામાં આવશે. ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) મારફતે વિદ્યાર્થીઓને કૉલેજ જવા માસિક પ્રવાસન ભથ્થું આપવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૮ લાખ ઘરના નિર્માણ માટે ભંડોળને મંજૂરી આપવામાં આવશે. ‘ઘર ઘર નિર્મળ જળ અભિયાન’ અંતર્ગત બે વર્ષમાં દરેક ઘરને નળનું જોડાણ આપવામાં આવશે.

૯૦ સભ્ય ધરાવતી છત્તીગઢ વિધાનસભાની ચૂંટણી સાત અને ૧૭ નવેમ્બરે એમ બે તબક્કામાં યોજાશે.

દરમિયાન અમિત શાહે કૉંગ્રેસ પર એમ કહીને પ્રહાર કર્યો હતો કે છત્તીસગઢમાં કૉંગ્રસના વડપણ હેઠળની સરકારના શાસનકાળ દરમિયાન ધર્મ પરિવર્તનનું પ્રમાણ વધ્યું છે. ગરીબ આદિવાસોનું ધર્મ પરિવર્તન કરાવવા કૉંગ્રેસ સરકાર રાજ્યની યંત્રણાઓનો ઉપયોગ કરી રહી છે.

કૉંગ્રેસ પક્ષ કૌભાંડોમાં સંડોવાયેલો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button