
પટણા: બિહારના રાજકારણમાં ‘યુ-ટર્ન મેન’ તરીકે જાણીતા મુખ્ય પ્રધાન નીતીશ કુમારની (Chief Minister Nitish Kumar) ૨૦ વર્ષની સત્તાની સફરે હવે ભાજપ (BJP) માટે મોટી મૂંઝવણ ઊભી કરી છે. ૨૦૦૫થી સત્તામાં રહેલા નીતીશ કુમારે છેલ્લા બે દાયકામાં બે વખત ગઠબંધનથી છેડો ફાડી ચૂક્યા છે, જેના કારણે ભાજપે હવે માત્ર નીતીશની સત્તા વિરોધી લહેર જ નહીં, પણ પોતાના ધારાસભ્યો સામેના પ્રદર્શનના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.
નીતીશ કુમાર ભલે હવે NDA છોડીને ક્યાંય નહીં જવાની વાત કરી રહ્યા હોય, પરંતુ લોકસભા ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે દરેક વખતે માત્ર નરેન્દ્ર મોદીના નામ અને વિશ્વાસ પર ચૂંટણી જીતવી શક્ય નથી. બિહારમાં ભાજપના ૮૦ જેટલા ધારાસભ્યો ચૂંટણીમાં ઉતરવાના છે, ત્યારે તેમનું સ્થાનિક સ્તરે પ્રદર્શન મોટો પડકાર બની ગયું છે.
ગુજરાત-છત્તીસગઢ મોડેલ અપનાવવાનો વિચાર
મીડિયા અહેવાલ મુજબ, ગત સપ્તાહે ઉમેદવારોની યાદીને અંતિમ સ્વરૂપ આપવા માટે યોજાયેલી ભાજપની કોર ગ્રુપની બેઠકમાં મોટા પાયે ફેરફારો (Large-scale Reshuffle) કરવાની સંભાવના પર વિચારણા કરવામાં આવી હતી. આ વ્યૂહરચનાને ગુજરાત મોડેલ સાથે સરખાવવામાં આવી હતી. ગુજરાતમાં એન્ટી-ઈન્કમ્બન્સીનો સામનો કરવા માટે ભાજપે આખી કેબિનેટ બદલી નાખી હતી અને ૧૦૮માંથી ૪૫ બેઠકો પર ધારાસભ્યોની ટિકિટ કાપીને એક નવો ચહેરો રજૂ કર્યો હતો.
આ પહેલા ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે છત્તીસગઢમાં પણ આ જ પ્રયોગ કર્યો હતો અને હારેલા તમામ સાંસદોને બદલી નાખ્યા હતા. આ બંને રાજ્યોમાં આ વ્યૂહરચના ભાજપ માટે સફળ સાબિત થઈ હતી, જેનાથી પક્ષમાં એવી ધારણા મજબૂત થઈ છે કે મોટા ફેરફારો એન્ટી-ઈન્કમ્બન્સીની અસરને ઓછી કરી શકે છે.
ભાજપ સામે બેધારી તલવાર સમાન ધર્મસંકટ
જોકે, બિહારમાં આ ફેરબદલ ભાજપ માટે બેધારી તલવાર સમાન સાબિત થઈ શકે છે. ભાજપ રાજ્યમાં આશરે ૧૦૧ બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે. પરંતુ જો બેઠેલા ધારાસભ્યોને પડતા મૂકવામાં આવે, તો તેનાથી બળવાખોરોની ફોજ ઊભી થઈ શકે છે. જો આ બળવાખોરો અપક્ષ તરીકે કે અન્ય પક્ષોમાં જોડાઈને લડે, તો તે સત્તાવાર ઉમેદવારોને મોટું નુકસાન પહોંચાડી શકે છે, જેમ કે કર્ણાટકમાં જોવા મળ્યું હતું.
બીજી તરફ, જાતિ અને ધર્મના સમીકરણોને ધ્યાનમાં રાખીને જીતવાની વધુ ક્ષમતા ધરાવતા યોગ્ય ઉમેદવારને શોધવા માટેની પણ દબાણ છે. આ કારણોસર, ધારાસભ્યો પણ ટિકિટ ગુમાવવાના ડરથી કોઈપણ ભોગે રેસ છોડવા તૈયાર નથી. ૨૪૩ વિધાનસભા બેઠકો પર નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે ઉમેદવારોની પસંદગીમાં વિલંબ પ્રચાર પર વધુ અસર કરી શકે છે, આથી ભાજપ પાસે અંતિમ નિર્ણય લેવા માટે હવે બહુ ઓછો સમય બાકી છે.
આ પણ વાંચો…બિહારમાં ચૂંટણી પહેલા શરૂ થયો પોસ્ટર વિવાદ, પટનામાં લાગ્યાં પ્રશાંત કિશોરના પોસ્ટર