![BJP announced first list of 44 candidates for Jammu Kashmir assembly election...](/wp-content/uploads/2024/08/bjp-JK-list.jpg)
નવી દિલ્હીઃ દિલ્હીની 70 વિધાનસભા સીટોની (delhi results) મતગણતરી ચાલી રહી છે. પ્રારંભિક વલણમાં ભાજપે બહુમતનો આંકડો પાર કર્યો છે. ચૂંટણી પંચની વેબસાઈટ પ્રમાણે ભાજપ 42 બેઠક, આપ 28 બેઠક પર આગળ છે. વલણ પરથી દિલ્હીમાં ભાજપ સરકાર બનાવશે તે સ્પષ્ટ થઈ ગયું છે. દિલ્હીમાં ભાજપના હાથમાંથી સત્તા ગઈ તેને 27 વર્ષ વહી ગયા છે. 2014થી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, કેન્દ્રમાં ભાજપની સરકાર છે. પરંતુ 1993માં દિલ્હીમાં પહેલી વાર સત્તામાં આવ્યા બાદ 1998માં હાર થયા બાદ પરત ફરવાની આશા તૂટી ગઈ હતી. આ વખતે ભાજપને સંપૂર્ણ બહુમતી મળી છે.
દિલ્હીના પ્રથમ મુખ્ય પ્રધાન કોણ હતા?
દેશની રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીમાં આઠ વિધાનસભાની ચૂંટણી યોજાઈ ચૂકી છે અને નવમી ચૂંટણીના પરિણામો આજે આવી રહ્યા છે. દિલ્હીમાં પ્રથમ વિધાનસભાની ચૂંટણી 1952માં યોજાઈ હતી, તે સમયે રાજધાનીમાં વિધાનસભાની કુલ 40 બેઠકો હતી. નાંગલોઈના કૉંગ્રેસના ધારાસભ્ય ચૌધરી બ્રહ્મ પ્રકાશ દિલ્હીના પ્રથમ મુખ્ય પ્રધાન બન્યા હતા. જોકે, રાજકીય ઉથલપાથલને કારણે બ્રહ્મ પ્રકાશ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા ન હતા. 2 વર્ષ અને 332 દિવસ પછી તેમને મુખ્ય પ્રધાન પદ છોડવું પડ્યું હતું. ત્યારબાદ દરિયાગંજથી ચૂંટાયેલા ગુરમુખ નિહાલ સિંહને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. દિલ્હીની પ્રથમ ચૂંટાયેલી સરકાર 1956માં પડી હતી. વિધાનસભાનું ભંગ કરવામાં આવી હતી. આટલું જ નહીં વિસર્જન પણ કરવામાં આવ્યું હતું. તે પછી 37 વર્ષ સુધી દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી થઈ ન હતી.
દિલ્હીમાં બીજી વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાઈ હતી?
દિલ્હી વિધાનસભાની બીજી ચૂંટણી 1993માં યોજાઈ હતી. ત્યારથી સતત ચૂંટણીઓ યોજાઈ રહી છે અને આ નવમી ચૂંટણી છે. દિલ્હી વિધાનસભામાં બેઠકોની સંખ્યા વધારીને 70 કરવામાં આવી છે. દિલ્હીમાં વિધાનસભાની બેઠકોના નામ અને રચના 2008માં સીમાંકન પંચ દ્વારા નક્કી કરવામાં આવી હતી.
Also read: દિલ્હીની મહિલાઓ કોના પર મહેરબાનઃ પહેલીવાર પુરુષો કરતા વધારે કર્યું છે મતદાન
દિલ્હીમાં કયા કયા પક્ષોએ શાસન કર્યું છે
દિલ્હીનું નેતૃત્વ અત્યાર સુધી ત્રણ પક્ષો-કૉંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના હાથમાં રહ્યું છે. કોંગ્રેસ 19 વર્ષ અને ભાજપ પાંચ વર્ષ સુધી સત્તામાં રહી હતી. આમ આદમી પાર્ટી છેલ્લા 10 વર્ષથી સત્તામાં છે. દિલ્હીમાં ત્રણેય પક્ષોનું શાસન હોવા છતાં, એવી ઘણી વિધાનસભા બેઠકો છે કે જેના પર આ પક્ષો આજ સુધી જીતી શક્યા નથી.